વાપીના રાતા અને છીરીમાં વડીલોપાર્જિત સાત જેટલા સર્વે નંબરો પૈકી એક જ સર્વે નંબરવાળી જમીન માટે કરેલી પાવર ઓફ એટર્નીના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી સાતેય સર્વે નંબરની જમીનો બારોબાર વેચી મારતાં અમેરિકાથી આવેલી 77 વર્ષિય NRI મહિલાએ ન્યાય માટે વલસાડ જિલ્લા પોલીસવડા, કલેકટર સમક્ષ અરજ કરી છે. ત્યારે, આ ઘટના બાદ છરવાડા ના એક જાગૃત નાગરિકે પણ આક્ષેપો કર્યા છે. કે, NRI મહિલાની જમીન વેચી દેનાર વ્યક્તિએ છરવાડા ગામમાં પણ ગૌચરણની જગ્યા પર કબજો કર્યો છે. જે અંગે તે વર્ષોથી ન્યાયની માગ કરે છે. જેમાં તેને સફળતા મળી નથી. ત્યારે આ મહિલાને સફળતા મળશે કે કેમ?
વાપી નજીક છરવાડા ગામે રહેતા જાગૃત નાગરિક સુરેન્દ્ર ધીરુભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, બે ચાર દિવસ પહેલા તેમના ધ્યાનમાં આવ્યું કે એક NRI મહિલાની 40 કરોડની જમીન રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ બારોબાર વેચી દીધી છે. તે અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અને કલેકટર કચેરીએ ન્યાય માટે રજૂઆત કરી છે. જે જાણી તેઓ ચોંકી ગયા છે. કેમ કે, આ એજ વ્યક્તિ છે જેમણે તેમના ગામ છરવાડામાં પણ કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો છે. અને તેમાં પોતાનું ઘર બનાવી રહ્યો છે.
છરવાડાના આ જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ તે સતત સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ તેનું કોઈ સાંભળતું નથી. ત્યારે NRI મહિલાને ન્યાય મળશે કે કેમ? સરકાર ગોચરણની જમીન પર કબજો કરી મકાન બનાવનાર ઈસમ પાસેથી ગૌચરની જગ્યા ખાલી કરાવી તેમની સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ? છરવાડાની ગૌચરની જમીન પર થયેલ કબ્જા અંગે તેમણે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે. આ જમીન પણ કરોડો રૂપિયાની જમીન છે. અને તેના પર કબ્જો કરનાર રાજેશ વસંત પરમાર નામની વ્યક્તિને ગામમાં કોઈ જ જગ્યા ફાળવી નથી. છતાં આ જગ્યા પર કબજો કર્યો છે.
છરવાડાની આ જગ્યા અંગે જાગૃત નાગરિકે RTI કરી વિગતો માંગી હતી. જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા વલસાડ કલેકટરે જમીન વિહોણા 15 જેટલા પરિવારોને 100 ચોરસ ફૂટના પ્લોટ મુજબ જમીન ફાળવેલી છે. જો કે હકીકતે તેવા કોઈ જ પરિવાર ત્યાં રહેતા નથી. શરૂઆતથી જ આ એક કૌભાંડ છે. જેને ઉજાગર કરવા તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. સરકારમાં તે અંગે અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે. જેમાં તેને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આ જમીન પૈકી 5000 સ્કવેર ફૂટ પર હાલમાં NRI મહિલાની જમીનને બારોબાર વેચી નાખનાર રાજેશ વસંત પરમારે કબજો કર્યો છે અને ત્યાં તે પોતાનું મકાન બનાવી રહ્યો છે. તે અંગે પણ તપાસ થાય અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાતા છીરીમાં કરોડો રૂપિયાની 9 એકરથી વધુ જગ્યા પાવર ઓફ એટર્નીના આધારે બારોબાર વેચી મારી આચરેલી છેતરપીંડી અંગે અમેરિકાથી આવેલ સીનિયર સીટિઝન મહિલા મંજુલાબેન રમેશચંદ્ર શાહે ડુંગરા પોલીસ મથક, જિલ્લા પોલીસવડા અને કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.