નામદાર હાઇકોર્ટ એ સુવો મોટો દાખલ કરી રાજ્ય સરકારને ફાયર સેફટી બાબતે નિયમોનું પાલન કરવા અંગે તાકીદ કરી છે. જેને લઈને રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા બિલ્ડરો તેમજ અન્ય વ્યક્તિઓ સામે નોટીસ બજવણી તેમજ સીલીંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં વૃંદા સોસાયટીમાં પણ ઉમરગામ ફાયર વિભાગ દ્વારા સીલીંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે અંગે સ્થાનિક રહીશો અને બિલ્ડર વચ્ચે મામલો વણસ્યો હતો.
જોકે સોમવારે રહીશો સાથે બિલ્ડર રાજેશ મિસ્ત્રીએ સમસ્યાના સમાધાન માટે ચર્ચા કરી ફાયર NOC બાબતે નિયમ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરવા તૈયારી દાખવી હતી. સ્થાનિક સોસાયટીના હોદ્દેદારોએ જ્યાં પણ હોદ્દાની રુએ સહી કરી સહકાર આપવાનો તે અંગે તૈયારી બતાવી હતી. બિલ્ડર રાજેશ મિસ્ત્રી દ્વારા અગાઉ ફાયર સેફ્ટી એનઓસી માટે ઉમરગામ નગરપાલિકા કચેરી સાથે સંકલન સાંધી પ્રક્રિયા કરાઈ હતી. પરંતુ કેટલાક મુદ્દાઓને લઈ સોસાયટીના વર્તમાન હોદ્દેદારો સાથે ગેરસમજને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી.
જોકે આ ગેરસમજ દૂર થતા સમસ્યાના ઉકેલ માટે બિલ્ડર રાજેશ મિસ્ત્રી અને સ્થાનિક રહીશોએ અરસપરસ સંયોગ કરી ફાયર એનઓસી મેળવવા માટે સંમતિ દાખવી હતી.