Saturday, December 21News That Matters

વાપી તાલુકાના કરાયા ગામે સર્વે નંબર 142, 145, 146 અને 153 વાળી કિંમતી ખેતી ની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી દીધી હોવાના આક્ષેપ!

વાપી તાલુકાના કરાયા ગામની કરોડોની જમીનના લાખોમાં દસ્તાવેજ બનાવી મૂળ માલિકની જાણ બહાર વેચી દીધી હોવાના આક્ષેપ સાથે ખેતીની જમીનના વિવાદને લઈ મહેસુલ તેમજ પોલીસ વિભાગ સહિત ગુજરાત સરકારમાં રજુઆત કરવામાં આવી છે. 
વાપીના કરાયા ગામે આવેલ ખાતા નંબર 469 સર્વે/બ્લોક નંબર 142, 145, 146, તથા 153 વાળી ખેતીની કિંમતી જમીન અંગે જમીનના મૂળ માલિક જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહની દિકરીઓએ ગંભીર આક્ષેપ સાથે મહેસૂલ વિભાગ, વલસાડ જિલ્લા પોલીસવડા તેમજ ગુજરાત સરકારમાં રજુઆત કરી છે. જેને લઈને આ સમગ્ર ઘટનાએ જિલ્લાના લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
કરાયા ગામની જે જમીનને લઈને વિવાદ વકર્યો છે તે જમીન હાલના રેવન્યુ રેકર્ડ મુજબ જોઈએ તો, તેમાં મૂળ માલિક તરીકે જયંતીલાલ લક્ષ્મીચંદ શાહ બાદ તેમની પત્ની, તેમની પુત્રીઓ ના નામ છે. તો, પરાગ લલ્લુભાઇ પટેલ પાસેથી આ જમીન વલવાડા ના ચિંતન દેસાઈ નામની વ્યક્તિએ વેંચાણથી ખરીદી હોવાનો ઉલ્લેખ છે. જેમાં સર્વે નમ્બર 142 વાળી 88 આરે 39 ચો. મી. વાળી જમીન 23,52,000 રૂપિયામાં, સર્વે નંબર 145 વાળી 2 હેકટર 43 આરે 80 ચો.મી. 14,50,000માં, સર્વે નંબર 146 વાળી 2 હેકટર 52 આરે 98 ચો.મી. 14,50,000માં અને સર્વે નમ્બર 153 વાળી 1 હેકટર 59 આરે 38 ચો.મી. 23,52,000માં પરાગ પટેલ પાસેથી ચિંતન દેસાઈએ ખરીદી હોવાનો ઉલ્લેખ છે. જો કે આ વિવાદિત જમીન મામલે આખરે કોણ સાચું છે તે અંગે લાગતા વળગતા વિભાગો યોગ્ય તપાસ કરશે કે કેમ તેના પર લોકોની મીટ મંડાઈ છે.
જમીનના વિવાદ અંગે ઉષાબેન જયંતીલાલ શાહે કરેલા આક્ષેપ મુજબ કરાયા ગામે તેમના પિતા જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહની માલિકીની ખેતી ની જમીન છે. જે જમીન સર્વે નમ્બર 142, 145, 146 અને 153 મુજબની છે. આ જમીન પર તેમના પિતાએ આંબા ના ઝાડ તેમજ કલમ રોપી હતી. તેમજ એક મકાન બનાવેલ હતું. આ વાડીમાં મોહંમદ હનીફ રજબ અલી નામનો નોકર હતો. જે વાડીમાં આંબા પાડવાનું કામ કરતો હતો.
જો કે, 03/12/1989ના રોજ જમીન માલિક જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહનું બિન વસિયત અવસાન થયું હતું. જે બાદ તેના સીધા વારસદાર તેમના પત્ની મંજુલા બેન જયંતીલાલ શાહ કબ્જેદાર બન્યા હતાં. મંજુલા બેન જયંતીલાલ શાહ 30/01/2016 ના રોજ અવસાન થતા આ જમીનના તેમની 3 દીકરીઓ ઉષાબેન રાજેન્દ્ર ભાઈ ઝવેરી, માલતી બેન જયંતીલાલ શાહ તથા સુરભીબેન જયંતીલાલ શાહ સીધી લીટીના વારસદારો તરીકે જમીન ના માલિક, મુખતિયાર અને કબ્જેદાર બન્યા હતાં.
આ સમયગાળા દરમ્યાન જમીનની દેખરેખ તેમજ રેવન્યુ ફી સહિતનો તમામ કાર્યભાર ત્રણેય બહેનો સાંભળતા હતાં. પરંતુ તે અરસામાં મોહંમદ હનીફ રજબ અલી, મોહંમદ ઉંમર રજબલી, મોહંમદ ઈદ્રીશ ઇનાયતુલ્લા અને મોહંમદ સુલેમાન રજબ અલી એ એક લિઝડીડ બતાવી આ જમીન તેઓએ 99 વર્ષ ના ભાડા કરારે લઈ લીધી હોવાના આક્ષેપ કર્યા હતાં. જે બાદ તેમાં વધુ એક વિવાદ જાગ્યો કે જેમાં આ જમીન છીરીના પરાગ લલ્લુ પટેલે પોતાના કબ્જાની બતાવી 03/03/1988માં મૂળ માલિક જયંતિલાલ લક્ષ્મીચંદ શાહે તેમના નામે વસિયત નામું કર્યું હોવાના પુરાવા ઉભા કર્યા હતાં. આ વસિયત નામું રજૂ કરનાર પરાગે તે જમીન વલવાડા ના ચિંતન હસમુખ દેસાઈને વેચી દીધી હતી.
આ સમગ્ર મામલે મૂળ જમીન માલિક એવા જયંતીલાલ લક્ષ્મીચંદ શાહની દીકરીઓ માલતીબેન શાહ, ઉષાબેન શાહ અને સુરભીબેન શાહે આક્ષેપ કર્યો છે. કે, જમીન મામલે લિઝડીડ તે બાદ વસિયત નામું બધું જ બોગસ ઉભું કરી જમીન પચાવી પાડી તેને અન્યને વેચી દીધી છે. આ એક વ્યવસ્થિત કાવતરું છે. જેમાં કરાયા ગામના મોહંમદ હનીફ રજબઅલી, મોહમ્મદ ઉંમર રજબઅલી, મોહમ્મદ ઈદ્રિશ ઇનાયતુલ્લા, મોહંમદ સુલેમાન રજબઅલી બે સાક્ષીઓ એવા વલવાડાના બિપિન શાંતિલાલ વશી, કરવડના ચંપા બેન ઉત્તમભાઈ શાહ, વસિયતનામું રજૂ કરનાર છીરી-છરવાડા ના પરાગ લલ્લુ પટેલ, જમીન ખરીદનાર વલવાડાના ચિંતન હસમુખ દેસાઈ, ઉમરગામ ના વિપુલ અમરત ધોડી, પારડીના હિતેશ મગન પટેલ તેમજ બોગસ વિલ તૈયાર તૈયાર કરી સહી કરનાર સાક્ષીઓ, સરકારી અધિકારીઓની મિલીભગત છે.
મૂળ માલિકના સીધા વારસદાર ઉષાબેને આક્ષેપો કર્યા છે કે, પરાગભાઈ લલ્લુભાઈ પટેલ એક વીલ કે વસિયત નામું જે તદ્દન ખોટું છે જેનો ઉપયોગ કરીને મૂળ માલિકોના નામ 7/12 માંથી કઢાવી પોતાના નામ ચડાવી દીધા છે. જે અંગે તેઓને કોઈ નોટિસ કે જાણ કરવામાં આવી નથી. પરાગભાઈએ જે વીલનામું બનાવેલું છે તેમાં 1984 નો સ્ટેમ્પ વાપરવામાં આવ્યો છે અને 1988 માં પરાગ ભાઈ તે વસિયતનામું 1984 ના સ્ટેમ્પ પેપર પર લખાવે છે. વીલ કોઈપણ જગ્યા એ રજીસ્ટર કરવામાં આવ્યું નહતું અને અચાનક 30 વર્ષ વીતી ગયા પછી પરાગ ભાઈ આ વીલ લાવી ને બે વ્યક્તિ ને સાક્ષી રાખી ને 2022માં વીલ સર્ટી ફાઇડ કરાવે છે. વિલમાં જે મૂળ માલિક જયંતીલાલ શાહની સહી છે. તે ગુજરાતીમાં છે. જ્યારે જયંતિલાલની ગુજરાતી સહી સાથે તે મેચ થતી નથી. અને તેનો જયંતીલાલ ના પરિવાર સાથે કોઈ જ પારિવારિક સબંધ નથી. જેથી આ સમગ્ર મામલે જયંતીલાલ શાહની પુત્રીઓએ ન્યાયની આશ સાથે મહેસુલ વિભાગ, પોલીસ તંત્ર, ગુજરાત સરકારમાં અરજી સાથે રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *