વલસાડ :- એક સમયે મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ગુજરાતના કચ્છ સુધીના દરિયા કિનારે વસતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હજારો લોકોને સ્વાધ્યાય પરિવારે કૃષિ, મત્સ્ય પ્રવૃતિ અને વૃક્ષ વાવેતરને ભગવાનનું કાર્ય ગણી શાકાહારી બનાવ્યા, હિન્દૂ ધર્મની મહત્વતા સમજાવી હિન્દૂ આસ્થામાં માનતા કર્યા જ્યારે તેની બીજી તરફ ડાંગ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા સહિતના આદિવાસી પટ્ટામાં હિંદુ આદિવાસીઓને અનેક પ્રકારના પ્રલોભનો આપી પાદરીઓએ ખ્રિસ્તી બનાવવાની પ્રવૃત્તિ આરંભી હવે ગુજરાતના દરિયા કિનારે વસતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળતી વટાળપ્રવૃત્તિ શરૂ કરી છે. જેના દાંડી-મરોલી ગામના વાયરલ વીડિઓએ ચકચાર મચાવી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે મરોલી અને દાંડી નામના ગામ આવેલા છે. આ વિસ્તારમાં આવા 8 જેટલા ગામ છે. જેમાં બારી સમાજ અને અન્ય સમાજના લોકો વાસવાટ કરે છે. આ સમાજના લોકો હિન્દૂ છે. પરન્તુ હાલમાં જો તમે આ વિસ્તારના કોઈપણ ગામમાં જાઓ તો ગામમાં તમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા હિંદુઓ મળી જ રહેશે. દરેક ગામમાં એક ચર્ચ પણ જોવા મળશે. જેમાં પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે હાલમાં વાયરલ થયેલા વીડિઓ બાદ આ પ્રવૃતિઓ તરફ સૌ કોઈનું ધ્યાન ગયું છે.
જે બાદ બારી સમાજે આગેવાનોની બેઠક બોલાવી આ અંગે ચર્ચા કરી છે. બેઠકમાં થયેલ ચર્ચા અંગે મળતી વિગતો મુજબ સમાજના આગેવાનોએ સમાજના કેટલાં લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે? એ માટે તેમને કોઈ લોભ લાલચ આપવામાં આવી છે કે કેમ? જો તેમનું બ્રેઇન વોશ કરીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે તો તે ફરી હિન્દૂ ધર્મમાં આવવા માંગે છે કે કેમ તે અંગેની દરેક વિગતો મેળવવાનું નક્કી કર્યું છે.
આ વિસ્તારનો જે વીડિઓ વાયરલ થયો છે. તે હાલનો નથી પરંતુ 6 મહિના પહેલાનો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વીડિયોમાં એક ગુલાબના ફૂલ સાથેના પાણીના કુંડમાં એક પાદરી 5 મહિલાઓ અને 2 પુરુષોને ડૂબકી લગાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આ જાણે ખુશીનો પ્રસંગ હોય તેમ ઉપસ્થિત લોકો સજીધજીને આવ્યાં છે. અને કેટલાક મોબાઈલ કેમેરામાં તેને યાદગાર સાંભરણારૂપે કેદ કરી રહ્યા છે. જે સ્થળ છે તે એક ચર્ચ છે. અને તે દાંડી ગામનું છે. અહીં આ પહેલા પણ મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના પુરા પરિવારને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવી ચુક્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
નવાઈની વાત એ છે કે આ વટાળપ્રવૃત્તિ રાજ્યના આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરના વિસ્તારમાં અને તેના ગામથી માંડ 5 કિલોમીટરના અંતરે આવેલ દાંડી-મરોલીમાં થઈ રહી છે. વટાળપ્રવૃત્તિ ખુદ મંત્રીના ગામમાં પણ થઈ ચૂકી છે અને તેમના ખુદના ગામમાં પણ ચર્ચમાં દર રવિવારે વિશેષ પ્રાર્થના થતી આવી છે. એ ઉપરાંત અન્ય આસપાસના ગામ જેવા કે તળગામ, ફણસા, નારગોલ સહિત કાંઠા વિસ્તારના તમામ ગામોમાં આ પ્રવૃત્તિ જોરમાં ચાલી રહી છે. હિન્દૂમાંથી અન્ય ધર્મ અંગીકાર કરનાર આ લોકો સારા ઘરના અને પૈસેટકે સુખી સંપન્ન પરિવારના લોકો છે.
એક વાત ચોક્કસ કહી શકાય કે એક સમયે આ વિસ્તારમાં મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ગુજરાતના કચ્છ સુધીના દરિયા કિનારે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હજારો લોકોને સ્વાધ્યાય પરિવારે કૃષિ, મત્સ્ય પ્રવૃતિ અને વૃક્ષ વાવેતરને ભગવાનનું કાર્ય ગણી હિન્દૂ ધર્મની મહત્વતા સમજાવી હિન્દૂ આસ્થામાં માનતા કર્યા હતાં. પરંતુ, હવે ડાંગ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા સહિતના આદિવાસી પટ્ટાના હિંદુ આદિવાસીમાંથી જેમ ખ્રિસ્તી બન્યા તેમ દરિયા કિનારે વસતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ સમાજના લોકો પણ ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યાં છે.
જાણવા મળતી વિગતો મુજબ કેટલાક ખ્રિસ્તી ધર્મના પાદરીઓ હિંદુ ધર્મ એટલે ભૂતોનો ધર્મ છે જેમાં મનુષ્યના મૃત્યુ બાદ તેનો આત્મા ભૂત થઈને તમને હેરાન કરે છે માટે હિંદુ ધર્મ છોડીને અમારા ઈસુ પિતા સાથે જોડાઈ જાઓ તો તમને કોઈ પણ જાતના ભૂત પ્રેત તથા આત્માની બુરી નજર લાગશે નહીં તેવી હિન્દુ ધર્મ વિશે ખોટી માહિતી તથા ખોટા વિચારોના બીજ રોપી આ વટાળપ્રવૃત્તિ ચલાવી રહ્યા છે જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે. અને હિન્દૂ સમાજ માટે ચેતવણી સમાન છે.