Saturday, December 21News That Matters

DNH માં શહેરી-ગ્રામ્ય વિસ્તાર બાદ જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોને બેઘર બનાવવાની કામગીરી શરૂ કરતા આદિવાસી સમાજ લાલઘૂમ!

દાદરા નગર હવેલીમાં પ્રશાસને શહેરી વિસ્તારમાં સ્માર્ટ સિટીના નામે તો, ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દબાણ ના નામે કેટલાય બંધકામોને ધ્વસ્ત કર્યા બાદ હવે જંગલની જમીનમાં ઝુંપડા બાંધી રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ છીનવી બેઘર બનાવવાની કામગીરી શરૂ કરી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ પર વનવિભાગે પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી જંગલ જન જીવન આંદોલનના નેજા હેઠળ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
દાદરા નગર હવેલી વનવિભાગે આદિવાસીઓને ફાળવેલ પ્લોટ પરથી તેમની હકાલપટ્ટી કરી ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદી વૃક્ષારોપણ ની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંગે મંગળવારે ખાનવેલ ક્ષેત્રના દુધની પટેલાદ, માંદોની પટેલાદના આદિવાસી ભાઈ-બહેનોએ આદિવાસી જંગલ વન જીવન આંદોલન ના નેજા હેઠળ વિવિધ સંગઠનોને એકત્ર કરી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. 
વનવિભાગની કાર્યવાહી થી નારાજ આદિવાસી સમાજે ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી આક્રોશ ઠાલવતી રજુઆત કરી હતી કે, તેમને વર્ષો પહેલા સરકારે જંગલની જમીનમાં વસવાટ કરી ગુજરાન ચલાવવા માટે આ પ્લોટ ફાળવેલા છે. જેમના પર તેમનો હક છે. આ મેટર મામલે 2018માં આદિવાસી સમાજે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અને 2019માં તે અંગે ચુકાદો આવ્યા બાદ હજુ પણ આખી મેટર પેન્ડિંગ છે. જો કે તે બાદ તેનું ઉલ્લંઘન કરી વનવિભાગ આદિવાસીઓની હકાલપટ્ટી કરી પ્લોટ ખાલી કરાવી રહ્યા છે. અને તેવા પ્લોટમાં ખાડા ખોદી વૃક્ષા રોપણ ની કામગીરી હાથ ધરી છે. જે કામગીરી કોર્ટના આદેશનો ભંગ કરે છે. 
આ મામલે આખી મેટર હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અને વચગાળાના ચુકાદા મુજબ આદિવાસી સમાજ પાસેથી તેને ફાળવેલ પ્લોટ નો કબજો જ્યાં સુધી નવો ચુકાદો ના આવે ત્યાં સુધી લઈ શકશે નહીં. હાલ આ મામલે મંગળવારે આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં આંદોલન કરી રેલી સ્વરૂપે એકત્ર થઈ વન વિભાગ ને રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *