વાપીમાં જાણીતા દાનવીર, ઉદ્યોગકાર પરિવારના 3 સભ્યોનું જુલાઈ 2020માં કોરોના કાળમાં અકાળે નિધન થયું હતું. જેની પુણ્યતિથિએ વાપીમાં ચણોદ ખાતે આવેલ KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ ખાતે ગરીબ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ, રક્તદાન કેમ્પ યોજીને તેમજ નવી લાયબ્રેરીમાં ભગવદ ગીતાના 20 ગ્રંથો આપીને ત્રિવિધ કાર્યક્રમ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વાપીમાં આવેલ KBS કોલેજમાં કોરોના કાળમાં જુલાઈ 2020માં એક જ મહિનામાં સદગત થનાર ઉદ્યોગકાર અને દાનવીર શાંતિલાલ ખીમજીભાઈ શાહ, હંસાબેન અમરતલાલ શાહ, અમૃતબેન સોમચંદ ગૂઢકાની તેમજ સ્વ સોમચંદ કે. ગૂઢકા, સ્વ વનીતાબેન શોભાગચંદ ગૂઢકાની પૂણ્યતિથી નિમિતે ગૂઢકા અને શાહ પરિવાર, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર અને KBS કોલેજ નાં સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 61 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિર માં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રક્તદાન કર્યું હતું.
તો, એ સાથે શાહ પરિવાર દ્વારા સામાજિક કાર્ય માટે 22 ગરીબ બહેનો પગભર થઈ શકે, સીવણ થકી પરિવારને મદદરૂપ થઇ શકે તે આશયથી નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવ્યાં હતાં. જે અંગે એ. કે. શાહે જણાવ્યું હતું કે મહિલાઓ પગભર બને તે માટે તેમના પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવા ના કાર્ય કરવામાં આવે છે. આ 22 મહિલાઓ ઉપરાંત અન્ય ગરીબ મહિલાઓને પણ જો સિલાઈ મશીનની જરૂર હશે તો તે પણ પુરી કરવામાં આવશે.
શાહ પરિવાર દ્વારા 3 સભ્યોની પુણ્યતિથિ નિમિત્તે કોલેજમાં નવી લાયબ્રેરી શરૂ કરી કોલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન મળે તે માટે 20 જેટલા ભગવદ્દ ગીતાના પુસ્તકો પણ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતાં.
સભ્યોની પુણ્યતિથિએ આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં KBS કોલેજના ટ્રસ્ટીઓ, એ. કે.શાહ, પ્રવિણાબેન શાહ, કાંતિલાલ શાહ, કમલાબેન શાહ, રાજેશ શાહ, હિતેશ શાહ, દર્શીતાબેન શાહ સહિત પરિવારના મોભીઓ, સભ્યો ઉપરાંત લાયન્સ ક્લબના સભ્યો, કોલેજના આચાર્ય, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ KBS કોલેજના NSS ગ્રુપ, પ્રવીણા શાંતિલાલ શાહ PG સેન્ટર, લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ ઉદ્યોગનગર અને KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યાં હતાં.