Friday, October 18News That Matters

દમણની હોટેલમાં વીજ કરંટથી પિતા-પૂત્ર ના કરુણ મોતની ઘટના બાદ દરેક હોટલ-ગેસ્ટ હાઉસના માલિકોને ફરજિયાત ઈલેક્ટ્રીક સેફ્ટી ઓડિટ કરાવવાનો કલેક્ટરનો આદેશ

દમણની નાના’સ હોટલના નટરાજ ગેસ્ટહાઉસના રૂમમાં કરંટ લગતા નડિયાદના પિતા-પુત્રના કરૂણ મોત બાદ દમણનું વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે, ઘટનાને પગલે હોટલ અને ગેસ્ટ હાઉસને સીલ મારીને દમણની તમામ હોટેલો ગેસ્ટહાઉસોની ઇલેક્ટ્રિક સેફટી ઓડિટ કરવાનો કડક નિર્દેશ દમણ કલેકટર સૌરભ મિશ્રાએ આપ્યો છે,

હોટલ નટરાજમાં સંચાલકોની બેદરકારીને પગલે સર્જાયેલી કરૂણ ઘટનામાં એક આખા પરિવારનો માળો વીખરાયો હતો, જેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, પ્રદેશની મોટાભાગની હોટલ અને ગેસ્ટ હાઉસમાં અસુરક્ષિત વિદ્યુત સ્થાપનોને કારણે હોટલમાં આવતા પર્યટકો અને જાહેર સલામતી સામે સંભવિત ખતરો તોળાઇ રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને દમણ કલેકટર સૌરભ મિશ્રાએ ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973 ની કલમ 144 ની સત્તાનો ઉપયોગ કરીને દમણની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોને આદેશ જારી કરી 7 દિવસની અંદર હોટલની જગ્યાનું ઈલેક્ટ્રીક સેફ્ટી ઓડિટ કરવાનો કડેક નિર્દેશ આપ્યો છે.

કલેક્ટરના આદેશ મુજબ આ ઓડિટ લાયસન્સ પ્રાપ્ત અને લાયકાત ધરાવતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અથવા તો કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવાનું રહેશે. ઓડિટ થયા બાદ તેને 10 દિવસની અંદર કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. આ સાથે જ જે કોઈ પણ હોટલ કે ગેસ્ટ હાઉસનું ઈલેક્ટ્રીકલ ઓડિટ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી અથવા તો તેનો ઓડિટ રિપોર્ટ જમા કરાવવામાં નિષ્ફળ નિવડ્યા હશે એવી હોટલ કે ગેસ્ટ હાઉસનું ઓડિટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવશે.

જારી કરવામાં આવેલ હુકમની સમય મર્યાદા 60 દિવસ સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ આદેશ નું ઉલ્લંઘન કરતાં જણાશે તો તેવા લોકો સામે પ્રશાસન ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *