પારડી તાલુકાના મોતીવાડા ગામે ટ્યુશનથી પરત આવતી કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ આવી ઘટના પોતાના ગામમાં બને નહિ તે અંગે ઉમરગામ તાલુકાના વલવાડા ગામના પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેને વલસાડના સાંસદ, જિલ્લા પોલીસવડા અને રેલવે વિભાગને પત્ર લખી રજુઆત કરી છે કે, કરમબેલી ગામમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર લાઈટ, CCTV ની વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે કેમ કે, આ ફૂટ ઓવરબ્રિજ પર લુખ્ખાતત્વો ગામની દીકરીઓની છેડતી કરતા હોય તેઓને પાઠ ભણાવવો જરૂરી છે.
વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, DYSP, ભિલાડ PIને ઉદ્દેશીને લખેલ આ પત્રમાં માજી ગ્રામ પંચાયતના સભ્ય પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલે રજુઆત કરી છે કે, ઉમરગામ તાલુકામાં ભિલાડ રેલવે સ્ટેશન અને વાપી સ્ટેશનની મધ્યમાં કરમબેલી રેલ્વે સ્ટેશન આવેલ છે. જે વલવાડા ગ્રામપંચાયતની હદમાં આવે છે.
આ કરમબેલી રેલ્વે સ્ટેશન ઉપર રેલવે વિભાગ દ્વારા 400 મીટર લંબાઈનો ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. છેલ્લા એક વર્ષથી આ ફૂટ ઓવરબ્રિજ જાહેર જનતા તથા ટ્રેનના મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફૂટ ઓવરબ્રિજનો વલવાડા ગ્રામપંચાયતના લોકો તથા આજુબાજુના ગામનાં ગ્રામજનો કરમબેલી બજાર તથા બાજુમાં આવેલ નેશનલ હાઇવે નંબર 48 પર આવવા જવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે.
આ ફૂટ ઓવરબ્રિજ સ્કૂલ-કોલેજની વિદ્યાથીની સ્કૂલ, ટ્યુશન જવા માટે તથા ગામની મહિલાઓ આ રેલ્વે ફૂટ ઓવરબ્રિજ નો ઉપયોગ કરે છે. પરંતુ આ રેલવે ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની તેમજ CCTV ની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ બ્રિજ પર અનેક લુખ્ખાતત્વો બેસી રહેતા હોય બહેન-દીકરીઓની સલામતી જરૂરી છે. જેથી લાઈટ અને CCTV ની વ્યવસ્થા કરવામાં આવે. જો કે, રેલવેના અધિકારીઓ આ અંગે કોઈ જ રજુઆત સાંભળતા નથી.
આ ફુટ ઓવરબ્રિજ પર સાંજના સાત વાગ્યા પછી બહારના અસામાજીક તત્વો વારંવાર ટ્યુશન જતી દીકરીઓની તથા મહિલાઓની છડતી કરી રહ્યા છે. તો, ચોરીની પણ ઘટના બની રહી છે. થોડા દિવસ પહેલા પણ એક મહિલાનું મંગળસૂત્ર અને પર્સ ઝૂંટવી લેવાની ઘટના બની ચુકી છે.
તો, હાલમાં જ પારડી તાલુકાના ઉદવાડા માંતીવાડા ગામે ટ્યુશન જતી દીકરીની રેપ-વિથ-મર્ડરની ઘટના બની છે. તેવી કોઈ ઘટના કરમબેલી રેલવે સ્ટેશન પર બને નહિ તે માટે ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની CCTV ની અને GRP દ્વારા પેટ્રોલિંગ ની વ્યવસ્થા પુરી પાડવા રજુઆત કરી છે.