Friday, January 31News That Matters

સંજાણ બ્રિજના પોપડા પડ્યા બાદ મલાવ બ્રિજ પણ શંકાના દાયરામાં! ટેક્નિકલ ટીમ મલાવ બ્રિજની પણ ચકાસણી કરશે?

વલસાડ જિલ્લાના સંજાણ ખાતે DFCCIL દ્વારા મંગલમ બિલ્ડ કોન નામની એજન્સીને અપાયેલ સંજાણ બ્રિજની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોય બ્રિજના પોપડા ખરી પડ્યા છે. ત્યારે, મલાવ ખાતે બની રહેલ રેલવે ઓવર બ્રિજ પણ શંકાના દાયરામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં સંજાણ બ્રિજની ચકાસણી કરવા આવેલી ટેક્નિકલ ટીમ મલાવ બ્રિજની પણ ચકાસણી કરે તેવી માંગ ઉઠી છે.

સંજાણ બ્રિજના પોપડા ખરી પડવાની ઘટના બાદ DFCCIL સહિત સરકારી અધિકારીઓ દોડતા થયા છે. પોપડા પડવાની ઘટનામાં હાલ તો ટેક્નિકલ ટીમને બોલાવી બ્રિજના એ ભાગ ની ચકાસણી કરવામાં આવી રહી છે. 52 કરોડ ના ખર્ચે હાલ જ સંજાણનો આ નવો બ્રિજ બન્યો છે. જેનું થોડું ઘણું કામ બાકી છે. તે દરમ્યાન જ પોપડા ખરતા લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

DFCCIL દ્વારા સંજાણ બ્રિજની કન્સ્ટ્રકશન કામગીરીનો કોન્ટ્રાકટ મંગલમ બિલ્ડ કોન નામની અંકલેશ્વર ની એજન્સી ને સોંપવામાં આવ્યો છે. આ જ એજન્સી મલાવ બ્રિજ નું કન્સ્ટ્રકશન કામ પણ કરી રહી છે તેવી વિગતો છે. સંજાણ બ્રિજ પર પોપડા ખરી પડવા ઉપરાંત બ્રિજ પરનો ડામર નો ભાગ પણ દબાયેલો હોવાનું સામે આવ્યું છે. જેને ગામના લોકોએ સાવચેતીના ભાગરૂપે પથ્થર મૂકી કવર કર્યો છે.

પોપડા પડી જવાની ઘટના બાદ DFCCILના અધિકારી સાથે ટેલીફોનીક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. સુરતથી ટેક્નિકલ ટીમને બોલાવી બ્રિજના એ ભાગની ચકાસણી કરવામાં આવી રહી છે. જે બાદ એંજન્સી દ્વારા કામગીરી માં ક્ષતિ હશે તો તેના ટેન્ડર માં રહેલી જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

હાલ જ્યાં પોપડા પડ્યા તે ભાગ અને ઉપરનો ડામરનો ભાગ મરામત કરવાની કામગીરી હાથ ધરી છે. બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું નથી. તે પહેલાં આ ઘટના બનતા DFCCIL દ્વારા કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ કામગીરીની ચકાસણી હાથ ધરી છે. ત્યારે આ જ એજન્સી પાસે મલાવ રેલવે ફાટક નંબર 71 પર બની રહેલ ઓવરબ્રિજનું કામ છે. જેથી લોકોની માંગ છે કે, ટેક્નિકલ ટીમ સંજાણ બ્રિજની સાથે આ બ્રિજ ની પણ ચકાસણી કરે એને જો ક્ષતિ જણાય તો એજન્સી સામે કાર્યવાહી કરી તેને બ્લેકલીસ્ટ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *