દક્ષિણ ગુજરાતના સુરત-ભરૂચમાં ભારે વરસાદને કારણે મુંબઈ-અમદાવાદનો રેલ વ્યવહાર ખોરવાતા વાપી સ્ટેશને 3થી વધુ ટ્રેનને થોભાવવામાં આવી હતી. આ ટ્રેનમાં સવાર મુસાફરો પાણી અને ખોરાક માટે હેરાન થયા હતાં. જેઓની મદદે આવી વાપીના સેવાભાવી ઇન્તેખાબ ખાને ફૂડ પેકેટ પાણીની બોટલોનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.
ગત રાત્રીના ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં આવતા તાપી બે કાંઠે વહી નીકળી હતી. જેને કારણે નદી પર આવેલ રેલવેના પુલ આસપાસ જલસ્તર વધતા અમદાવાદ મુંબઈ વચ્ચે નો રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અને મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રેનોને નજીકના સ્ટેશને સ્ટોપેજ આપી દેવામાં આવ્યું હતું. વાપીમાં પણ 3 જેટલી ટ્રેનને સ્ટેશન પર જ આગામી સૂચના ના મળે ત્યાં સુધી થોભાવી દેવામાં આવી હતી.
રાતથી ટ્રેનમાં બેસેલા મુસાફરો બીજા દિવસે સવારે અકળાયા હતાં. પાણી ખોરાકની વ્યવસ્થા માટે હેરાન પરેશાન થયા હતાં. જે અંગેની જાણકારી સ્ટેશન માસ્તરને થતા તેમને વાપીની અલગ અલગ સેવાભાવી સંસ્થાઓને ફૂડ પેકેટ પુરા પાડવા વિનંતી કરી હતી. જેની વિનંતીને માન આપો વર્ષોથી વાપી રેલવે સ્ટેશનથી બિન વરસી મૃતદેહ ઊંચકતા ઇન્તેખાબ ખાને તેમની જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપીના સભ્યોની મદદથી તાત્કાલિક 1500 પાણીની બોટલ, 1200 જેટલા બિસ્કિટના પેકેટ, 2 દેગ ખીચડી તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું. તેમની આ પહેલે રેલવે સ્ટેશન પર માનવતા મહેકાવી હતી.
ઇન્તેખાબ ખાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેમની સંસ્થા આવી દરેક અફટમાં હંમેશા મદદરૂપ થતી આવી છે. રેલવે સ્ટેશને અનેકવાર એવું બન્યું છે કે આવી અપદા જેવી સ્થિતિમાં સ્થાનિક ટોલ ધારકો મુસાફરોને મદદરૂપ થવાને બદલે દરેક ચીજવસ્તુઓના ભાવ વધારી મૂકે છે. તો તે અંગે પ્રશાસન ખાસ સાવચેતી રાખે, ટોલ ધારકો પણ આવી સ્થિતિમાં કમાણી કરી લેવાની લાલચને છોડી માનવતા દાખવે તે હિતાવહ છે. તેમ છતાં જો આવા સમયે તેમને જાણકારી આપશે તો તેમની સંસ્થા કોઈપણ પ્રકારના નાણાં લીધા વિના આ સેવા પૂરી પાડશે.
ઉલ્લેખનીય છે કે, સેવાભાવી ઇન્તેખાબ ખાનની આ પહેલથી રેલવે વિભાગે તેમનો આભાર પ્રગટ કર્યો હતો. વાપી રેલવે સ્ટેશનને અટવાયેલા મુસાફરોમાં કોઈપણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના દરેક મુસાફરને ફૂડ પેકેટ્સ અને પાણીનું નિઃશુલ્ક વિતરણ કરી આંતરડી ઠારી હતી. પ્રસંગે વાપી રેલવે સ્ટેશને રેલવે પોલીસ, રેલવે કર્મચારીઓ પણ ટ્રેનમાં દરેક મુસાફરને ફૂડ પેકેટ, પાણીનું વિતરણ કરવા આગળ આવ્યા હતાં. અને સેવાભાવી સંસ્થાઓના સભ્યો સાથે મદદરૂપ બન્યા હતાં.