સંજાણના બહુચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજનાં એક હિસ્સાનાં સ્લેબમાં પડેલાં ગાબડાં બાદ, તુંબ નદીનાં પુલની કામગીરીમાં પણ ઠેકેદારે વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સંજાણ ના માજી સરપંચે પણ ગંભીર બેદરકારી બદલ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
વેસ્ટર્ન DFCC અને પશ્ચિમ રેલવેનાં સંજાણ અને ભિલાડ વચ્ચે વિરાર – સુરત સેક્શનનાં ઘીમસા કાંકરિયા ગામે આવેલ લેવલ ક્રોસિંગ ગેટ (ફાટક) નંબર 69 રેલવે તંત્ર દ્રારા હંગામી ધોરણે ચાલું કરાયો છે, તંત્ર એ, સદર વાહનવ્યવહાર માટે, વેસ્ટર્ન DFCCIL અને પશ્ચિમ રેલવેનાં સમાંતરે નવો રસ્તો બનાવી આપ્યો. જેમાં પણ ઠેકેદારોએ અને તંત્રએ બેદરકારી દાખવી છે.
આ અંગે સંજાણ ના માજી સરપંચ કાંતિભાઈએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, બ્રિજમાં થયેલ ક્ષતિ બાદ હાલ બ્રિજ પર મરામત ની કામગીરી ચાલી રહી છે. જેની નીચેથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. નજીકમાં રહેણાંક ઇમારતો આવેલ છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે, GIDC માં જતા કામદારો માટે આ જીવાદોરી સમાન માર્ગ છે. ત્યારે, બ્રિજ પર થતું સમારકામ મુસીબત બની છે. ઠેકેદાર દ્વારા કોઈ જ સલામતીના નિયમો પળાયા નથી. મટિરિયલના પોપડા, રેતી, કપચી સહિતનો કાટમાળ નીચે પડી રહ્યો છે.
સુરક્ષા સલામતી વગરનું આ કામ નગરજનોનો ભોગ લેશે તેવું લાગી રહ્યું છે. લોકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર છે. તો વધુમાં અહીં બનાવેલ સર્વિસ રોડમાં પણ રીતસરની વેઠ ઉતારવામાં આવી છે. આ રસ્તા પર તુંબ નદી આવે છે. જે ચોમાસામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આ કામ રાખનાર ઠેકેદારે નદીનાં પુલને બંને છેડે રેલીંગ જ નથી લગાવી,
કાંઠા સમાંતર માર્ગમાં સાંકડો માર્ગ બનાવી વાહનોના આવાગમનમાં અનેક અકસ્માતો થવાની ભીતિ છે. ઠેકેદારે જાણે જાણે, લોકોને યમધામ મોકલવાનો રીતસરનો ઠેકો લીધો હોય એવું તેમની આ કામગીરી પરથી ફલિત થતું હોવા છતાં તંત્ર અને નેતાઓ કેમ ચૂપ બની ગાંધીજીના વાંદરાઓ ની ભૂમિકા ભજવી રહ્યું છે તેવો સવાલ અહીંના લોકોમાં ઉઠ્યો છે.