સંઘપ્રદેશ દમણના ડોરી કડેયા ગામથી ગત 24મી ફેબ્રુઆરીએ ગુમ થયેલ 11 વર્ષીય બાળકને દમણ પોલીસે સુરતથી પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 24 દિવસ પહેલા ઘરેથી સાયકલ લઈને નીકળી ગયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે અખબારી જાહેરખબર, પોસ્ટર, લાઉડસ્પીકર પર લોકોને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ ત્રણેક જેટલી ટીમ બનાવી દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી. જેના અંતે ગુમ બાળક સુરતના કતારગામ સ્થિત એક સંસ્થામાંથી સુરક્ષિત મળી આવ્યો હતો.
આ અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, ગત તારીખ 24.02.2023 ના મૂળ બિહારના અને હાલમાં દમણના ડોરી કડેયા ગામમાં એક રૂમમાં રહેતા સુપનકુમાર દુકિત સિંહે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો 11 વર્ષીય પુત્ર સાજન ગુમ થયો છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.
આ ફરિયાદ આધારે દમણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો હતો. આવનજાવન ના મુખ્ય માર્ગો પર લાગેલા CCTV માં પણ તપાસ કરી હતી. CCTV આધારે પોલીસને જાણકારી મળી હતી કે, બાળક સાયકલ પર પોતાના ઘરેથી નીકળ્યો હતો. જે પાતલીયા ચેકપોસ્ટથી ગુજરાતના ઉદવાડા તરફ સાયકલ લઈને ગયો છે. આ જાણકારી આધારે પોલીસ ટીમનું ગઠન કરી ગુજરાતના નજીકના પોલીસ મથકો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી. પરંતુ બાળકની કોઈ ભાળ મળી નહોતી
ઘરેથી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે વલસાડ જિલ્લાના 700થી વધુ સ્થળો પર તપાસ કરી હતી. 5000 થી વધુ પોસ્ટર વિવિધ વિસ્તારમાં ચોંટાડયા હતાં. ગામડે ગામડે લાઉડસ્પીકર ની મદદથી લોકોને જાણકારી આપવા અપીલ કરી હતી. અખબારોમાં ગુમ નોંધ છપાવી હતી.
લગાતાર 18 દિવસ સુધી દમણ અને વલસાડ જિલ્લામાં શોધખોળ કર્યા બાદ વધુ તપાસ માટે મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતના નવસારી, ભરૂચ, અંકલેશ્વર, સુરતમાં ટીમ મોકલી શોધખોળ હાથ ધરી હતી. વિવિધ સામાજિક સંસ્થાઓની, બાળગૃહ, સ્થાનિક રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ ની મુલાકાત લીધી હતી. દિવસ રાતની આ મહેનત બાદ આખરે ગુમ બાળકને સુરતના કતારગામથી શોધી કાઢવામાં આવ્યો હતો.
બાળકના મળવા અંગે પોલીસે જણાવ્યું હતું કે, કતારગામમાં દમણ પોલીસની ટીમ એક સામાજિક સંસ્થામાં બાળકના ફોટો સાથે પહોંચી હતી. ત્યારે આ સંસ્થામાં બાળક હાજર હોવાનું અને સુરક્ષિત હોવાનું જોવા મળ્યું હતું. એટલે તાત્કાલિક બાળકનો કબજો લઈ દમણ લાવી તેમના માતાપિતાને હેમખેમ સુપ્રત કર્યો હતો. 24 દિવસ બાદ પરિવાર સાથે મિલન થતા બાળક અને તેના માતાપિતાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતાં. પ્રાથમિક પૂછપરછમાં બાળકે જણાવ્યું હતું કે ઘરેથી સાયકલ પર નીકળ્યા બાદ તે ઉદવાડા રેલવે સ્ટેશનથી સુરત જતી ટ્રેનમાં ચડી ગયો હતો. તેમની મમ્મી પાસેથી અનેકવાર સુરતનું નામ સાંભળ્યું હોય બાળક સુરત રેલવે સ્ટેશન પર ઉતરી ગયો હતો. જ્યાં એક સમાજસેવી સંસ્થાએ તેમને પોતાની સંસ્થામાં સુરક્ષિત રાખ્યો હતો.