Friday, October 18News That Matters

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે 38 વર્ષ લાંબા સમયની રજુઆત બાદ ખાતરી, પણ જમીન ક્યાં અને ક્યારે મળશેની મુંઝવણ!

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની 38 વર્ષ જૂની માંગણી સંદર્ભે હાલમાં જ કનું દેસાઈએ વાપીમાં VTA માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન આપવામાં આવશે તેવી જાહેરાત કરતા સોમવારે VTA દ્વારા નાણાપ્રધાન કનું દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો. પરંતુ આ જમીન ક્યાં અને ક્યારે મળશે તેની કોઈ છણાવટ નાણાપ્રધાને કરી ના હોય ખુશી સાથે મુંઝવણ વધી છે.
વલસાડ જિલ્લામાં 1968માં વાપી GIDC નો પાયો નંખાયા બાદ વર્ષ 1984માં વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્થાપના થઇ. ત્યારથી લઈને વર્તમાન 2022 સુધીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને ગુજરાતના મુખ્યપ્રધાન, GIDC, સ્થાનિક રાજકારણીઓ સમક્ષ લેખિત-મૌખિક અનેકવાર ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે જમીનની માંગ કરી છે. 38 વર્ષ જૂની આ માંગણી સંદર્ભે હાલમાં જ કનું દેસાઈએ વાપીમાં VTA માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન આપવામાં આવશે તેવી જાહેરાત કરતા સોમવારે VTA દ્વારા નાણાપ્રધાન કનું દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો. પરંતુ આ જમીન ક્યાં અને ક્યારે મળશે તેની કોઈ છણાવટ નાણાપ્રધાને કરી ના હોય ખુશી સાથે મુંઝવણ વધી છે.
વાપીમાં વર્ષ 1984માં જાણીતા ટ્રાન્સપોર્ટર ઇશરાલુ ચાચાને પ્રમુખ, સુરેશ શાહને ઉપપ્રમુખ નિમિ 250 ટ્રાન્સપોર્ટસ સભ્યોએ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન VTA ની સ્થાપના કરી હતી. જે સમયે સભ્યો પાસે માત્ર 100 ટ્રક હતી. VTA ના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યોએ એ તમામ ટ્રાન્સપોર્ટ માટે તેમજ ભવિષ્યમાં ટ્રાફિક વધશે તો તેના નિરાકરણને ધ્યાને રાખી GIDC પાસે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીનની માંગણી કરી હતી.
VTA દ્વારા સતત ટ્રાન્સપોર્ટ નગર માટે જમીનની માંગ દોહરાવવામાં આવતી રહી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન, GIDC ના ચેરમેન, ઉદ્યોગમંત્રી, વાહનવ્યવહાર મંત્રી, ઔદ્યોગિક કમિશનર, GIDC ના મેનેજરો, જિલ્લા કલેકટર, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો એમ ડઝનેક પદાધિકારીઓ, અધિકારીઓ સમક્ષ લેખિત-મૌખિક માંગ કરવામાં આવતી રહી. VTA એ ટ્રાન્સપોર્ટ નગર માટે 29/04/1996માં GIDC ના રિજનલ મેનેજર ભરત પંડ્યા સમક્ષ રજૂઆત કરી હતી. જે રજુઆત આધારે તે સમયે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન VIA ના પ્રમુખ મુકેશ નગરશેઠ સાથે મિટિંગ યોજી હતી. જેમાં 20 એકર જમીન આપવાની સંમતિ સધાઈ હતી. જો કે VTA એસોસિએશને ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખી 200 એકર જમીન ફાળવવા માંગ કરી જે પુરી થઈ નહિ.
તે બાદ 30/01/1999માં સુરેશ મહેતા સમક્ષ, 18/04/1999માં GIDC ના ચેરમેન પુરુષોત્તમ રૂપાલા સમક્ષ, 24/07/2002માં ફરી મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી વળી પાછું 2003માં GIDC એ અખબારી યાદી બહાર પાડી જમીન માટે 1000નો DD ભરી જગ્યા મેળવવા જણાવ્યું એટલે VTA ના 300 ટ્રાન્સપોર્ટરોએ 1000ના DD ભર્યા પરંતુ, તે બાદ તેનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. આ તરફ VTA સતત જમીન માટે માંગણી કરતું રહ્યું તો, બીજી તરફ વાપી GIDC માં વધુને વધુ ઉદ્યોગો માટે જમીન ફાળવાતી ગઈ ટ્રાફિક સમસ્યા વકરતી ગઈ. વર્તમાન 2022માં વાપીમાં દૈનિક 4000 જેટલી ટ્રકનું આવાગમન છે. VTA 1884 સભ્યોનું, 10 હજાર ટ્રક, 6 હજાર ટેમ્પો, 1000 કન્ટેઇનર ધરાવતું મહત્વનું એસોસિએશન બન્યું છે. વાપીથી સમગ્ર ભારતમાં તેમજ નેપાળ, બાંગ્લાદેશ સુધી ટ્રક ની અવરજવર હોય વાપી ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે.
ત્યારે, 38 વરસથી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની ટ્રાન્સપોર્ટ નગર માટેની માંગણી સંદર્ભે હાલ માં નાણાપ્રધાન કનું દેસાઈએ આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટ નગરની માંગણી સંતોષશુ તેવી જાહેરાત કરી છે. કનુ દેસાઈની આ જાહેરાત બાદ VTA એ તેમનો આભાર માન્યો છે. પરંતુ કેટલી જમીન અને ક્યાં? ક્યારે? મળશે તેનો કોઈ ફોડ નહિ પાળતા VTA અવઢવમાં છે કે ફરી આ ચૂંટણી લક્ષી લોલીપોપ તો નથી ને?
જો કે વર્તમાન ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કર તેમજ પૂર્વ પ્રમુખ અરવિંદ શાહ, રમેશ ભાનુશાળી એ આ મામલે નાણાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું કે, VTA દ્વારા ટ્રાન્સપોર્ટ નગર માટે જે પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કર્યો છે. તે માટે 200 એકર જગ્યાની જરૂર છે.  જ્યાં ટ્રાન્સપોર્ટ ઓફીસ, પાર્કિંગ, દવાખાનું, સ્પોર્ટ્સ સંકુલ, હોલ, પેટ્રોલ પમ્પ, અનાજ કરીયાણા માટેનું શોપિંગ સેન્ટર, મેડીકલ, ફાયર સ્ટેશન, સર્વિસ ફેશન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બને તે પ્રકારનું આયોજન છે. જે માટે અંદાજીત ખર્ચ 1,36,67,67000 (136 કરોડ, 67લાખ, 67હજાર) છે.
ટ્રાન્સપોર્ટ નગર માટે અલગ-અલગ ચાર સ્થળો ઉપર પણ જમીન ફાળવાય તો પણ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને કોઈ જ મનદુઃખ નથી પરંતુ જમીન મળે તે ખુબજ મહત્વનું છે. અત્યાર સુધી જે રીતે થતું આવ્યું છે તે જોતા તેમની આ માગણી સંદર્ભે જીઆઇડીસી, નોટિફાઇડ અને રાજ્ય સરકારના સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેવા આક્ષેપ સાથે VTA એ જણાવ્યું હતું કે, દમણગંગા ખાડી પાસેની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. જે હાલ અન્ય કોઈ ઉદ્યોગકારને ફાળવી દેવામાં આવી છે.  હવે દમણગંગા ના સામે કાંઠે અથવા તો કરવડ, ડુંગરા વિસ્તારમાં કે મોરાઇ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જગ્યા ફાળવવામાં આવે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે વાપીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ખુબ જ અગ્રીમ કક્ષાનો ઉદ્યોગ છે તો પણ સરકાર જે રીતે ઉદ્યોગપતિઓને ઉદ્યોગ માટેની જગ્યા આપવા MOU કરે છે તે પ્રકારે આ સંસ્થા સાથે પણ MOU કરીને જગ્યા આપે તો પણ અમને મંજૂર છે. જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટ નગર હોવું જરૂરી હોવા છતાં વાપીના ઉદ્યોગકારો, જીઆઇડીસીના અધિકારીઓ, રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓની મિલીભગતમાં જગ્યા ફાળવવામાં આવતી નથી. આ પહેલા 17.5 હેક્ટર જમીન દમણ ગંગા નદી કાંઠે ફાળવવાની વાત આવી જ મીલીભગત મા ટલ્લે ચડી ગઈ છે. હવે કનુભાઈ કરેલી જાહેરાત બાદ અને ફરી એકવાર આશા બંધાઈ છે કે ટ્રાન્સપોર્ટ નગર માટે જગ્યા મળશે. કનુભાઈ તેમનો વાયદો પૂરો કરશે. VTA નું ટ્રાન્સપોર્ટ નગરનું 38 વર્ષ જુનું સપનું સાકાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *