ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રનાં બોરડી ગામેં 18-19 ફેબ્રુઆરીએ ચીકુ ફસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલ અને ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિને, ખેતીક્ષેત્રે ખેડૂતોને પ્રોત્સાહન મળે, પ્રકૃતિ પ્રત્યે લોકો જાગ્રુત બને તેવા ઉદ્દેશ્યથી અહીં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોનાકાળના 2 વર્ષના અંતરાલ બાદ આ ફેસ્ટિવલ યોજાવાનો હોય ચીકુની વિવિધ વેરાયટીનો સ્વાદ માણવા દર વર્ષની સરખામણીએ બમણા મુલાકાતીઓ આવે તેવી ધારણા છે. જે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત શણગારેલા વિવિધ ચીજવસ્તુઓના 250થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
વલસાડના ઉમરગામને અડીને આવેલું મહારાષ્ટ્રનું બોરડી ગામ તેમના GI ટેગ મેળવેલા ચીકુ માટે દેશભરમાં જાણીતું છે. અહીં સુંદર દરિયા કિનારો છે. તો, ચીકુવાડીઓ, આંબાવાડીઓ સાથે ખેતીને પ્રોત્સાહન આપતા ખેતીના આધુનિક ફાર્મ છે. સ્થાનિક લોકોની કઈંક નોખી અનોખી સંસ્કૃતિ છે. જેનો પરિચય કરાવવા દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
Rural Entrepreneur વેલફેર ફાઉન્ડેશન અને વિવિધ સ્થાનિક સંસ્થાઓ, દાતાઓનાં માધ્યમથી બોરડીનાં સુંદર દરિયા કિનારે 2 દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે બેસ્ટ ફ્રોમ વેસ્ટ (Best From Waste)નીં થીમ આધારિત મોટા ભાગની સજાવટ સાથેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો તેમનાં ઉત્પાદનો, કલાકૃતિઓનું વોકલ ફોર લોકલના ધોરણે વેંચાણ કમ પ્રદર્શન કરશે. બે દિવસીય ફેસ્ટિવલમાં સ્થાનિક ખાદ્ય ચીજવસ્તુઓનો સ્વાદ પર્યટકોને ચાખવા મળે તે માટે વિવિધ વાનગીઓના સ્ટોલ છે. મુખ્યત્વે આ ફેસ્ટિવલ ચીકુના ફળમાથી બનતી વિવિધ પ્રકારની વેરાયટીઓનો ફેસ્ટિવલ છે. ફેસ્ટિવલમાં ચીકુ અને અન્ય ફળ પાક પકવતાં 15 ખેડૂતો અને મહિલા ગૃહ ઉદ્યોગોના વેંચાણ માટે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. ફેસ્ટિવલમાં સ્થાનિક ખેડૂતો અને બાગાયતક્ષેત્રે સંકળાયેલા લોકો માટે કૃષિધન અને પ્રદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચીકુ ફેસ્ટિવલમાં આવનારા પર્યટકો સ્થાનિક સંસ્કૃતિની ઝલક માણી શકે તે માટે સ્થાનિક કલાકારોને બોલાવ્યા છે. જેઓ તેમની અલગ અલગ કલાકૃતિઓ રજૂ કરી મુલાકાતીઓનું મનોરંજન કરશે. માટીનાં વાસણો, વાંસની વેરાયટીઓ, હસ્તકલા, વ્યંગ ચિત્રો જેવી ચીજવસ્તુઓના વેંચાણ માટે પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અયોજકોએ જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલમાં ભારત ભરમાથી આવતા પર્યટકો આ વર્ષે વધુ ચીજવસ્તુઓ ખરીદી શકે, ખાદ્ય ચીજોનો સ્વાદ ચાખી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચીકુ!….. એટલે બારે માસ મળતું મીઠું મધુરું અને સૌનું પ્રિય ફળ, પરંતુ… ચીકૂમાંથી 150 જેટલી અનોખી અને અવનવી ખાદ્યચીજો બની શકે છે. જેનો ટેસ્ટ કેટલો મીઠો છે! તે જાણવું હોય તો એકવાર ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર બોરડી ગામે યોજાતા ચીકુ ફેસ્ટિવલની મુલાકાત અવશ્ય લેવી પડે. જેમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, ચીકુમાંથી બનાવેલી અવનવી ખાદ્યચીજો, વારલી પેઇન્ટિંગ અને મહિલાઓ માટેના સાજ શણગારની ચીજવસ્તુઓ લોકોમાં અનેરૂ આકર્ષણ ઉભુ કરે છે.
દર વર્ષે એક લાખ લોકો આ ચીકુ ફેસ્ટિવલની મુલાકાત લે છે. જેઓ ચીકુમાંથી બનતી મીઠાઈ, ચોકલેટ, કુલ્ફી જેવી 50થી વધુ વેરાઈટીના સ્વાદ માણે છે. અંદાજિત એક કરોડનું ટર્નઓવર ધરાવતો આ બે દિવસીય ચીકુ ફેસ્ટિવલ રુલર એન્ટરપ્રેનરશીપ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવે છે. બોરડી ગામ સમુદ્ર કિનારે સુંદર દરિયાકાંઠો ધરાવતું ગામ છે. આ ગામને પ્રવાસન ક્ષેત્રે નામના અપાવવા માટે વર્ષ 2013થી આ વિસ્તારના ચીકુનું બ્રાન્ડિંગ કરવા માટે અને ખેતીક્ષેત્રે ચીકુના પાકને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં 250 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવે છે.