સંઘપ્રદેશ દમણના દરિયામાં 27 જૂનથી 1 જુલાઈ સુધી ભારે પવન ફૂકાઇ શકે છે. દરિયો તોફાની બનવાની સંભાવનાને લઈને દમણના દરિયા કિનારે 3 નંબરનું સિંગલ લગાવી માછીમારો ને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે.
સંઘ પ્રદેશ દમણ, ગુજરાત, મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં બની રહેલ સિસ્ટમને લઈ દમણ પ્રશાસન એલર્ટ બન્યું છે. દમણ પ્રશાસને મોટી દમણ લાઈટ હાઉસ નજીક 3 નંબરનું સિંગલ લગાવી માછીમારો ને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે. દમણના દરિયામાં 27 જૂનથી 1 જુલાઈ સુધી 70 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાય શકે છે. દરિયો તોફાની બનવાની સંભાવનાને લઈને પ્રશાસન એલર્ટ બન્યું છે.
પ્રશાસને દમણના માછીમારો ઉપરાંત દમણમાં આવતા સહેલાણીઓ સલામત રહે તે માટે દરિયાથી દુર રહેવા સૂચના આપી છે. તેમજ દરિયા કિનારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ જવાનોને પણ તાકીદ કરી છે. જો કે આ દિવસો દરમ્યાન પ્રવાસીઓને દરિયાથી દૂર રાખવા પોલીસ જવાનો માટે પણ પડકારરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાની સિઝન હોય એ સમયગાળામાં દરિયો રફ બને છે. ઊંચા ઉઠતા મોજા સાથેનું પાણી નજીકના કાંઠા વિસ્તારમાં ફરી વળે છે. ત્યારે, તોફાની દરિયામાં કોઈ જાનમાલની નુકસાની ના થાય તેના ભાગરૂપે પ્રશાસને કાંઠા વિસ્તારના રહેવાસીઓ, માછીમારો અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની તાકીદ કરી છે.