Friday, October 18News That Matters

ગરીબોની સેવા કરવા મોંઘીદાટ કારના કાફલા સાથે દાવેદારો દાવેદારી નોંધાવવા પહોંચ્યા!

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય તમામ નાનીમોટી પાર્ટીઓ, અપક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. દાવેદારો ના સેન્સ લઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે જ વલસાડ જિલ્લાની 5 બેઠકો પર દાવેદારોના સેન્સ લેવાઈ રહ્યા છે. ગુરુવારે પારડી, કપરાડા અને ઉમરગામ બેઠક પરના દાવેદારોના સેન્સ લેવાયા હતાં. જ્યારે આજે એટલે કે શુક્રવારે વલસાડ અને ધરમપુર બેઠકના ઉમેદવારોના સેન્સ લેવાશે. ત્યારે સેન્સ આપવાની પ્રક્રિયામાં ખરા ઉતરી ગરીબો ની સેવા કરવા માંગતા દાવેદારોએ પોતાનું શક્તિપ્રદર્શન પણ બતાવ્યું હતું.
વલસાડના વશિયર ખાતે ભાજપના નિરીક્ષકો દાવેદારો ના સેન્સ લેવા આવ્યા હતાં. ત્યારે દાવેદારો દાવેદારી નોંધાવવા મોંઘીદાટ કાર ના કાફલા સાથે પહોંચ્યા હતાં. પાર્ટી પ્લોટમાં મોંઘીદાટ કાર ના કાફલા ને જોતા એવું લાગ્યું હતું કે મજા ગરીબોની સેવા માં જ છે. સામાન્ય વેપાર ધંધા માં તો ફેમિલી કાર લઈ શકાય પણ ગરીબોની સેવા માં તો લકઝરીયસ કાર લઈ શકાય અને ફરી શકાય.
સેન્સ આપવા આવેલા દાવેદારો પોતાના સમર્થકો સાથે આવ્યા હતાં. જેઓનો મોંઘીદાટ કારનો કાફલો જોઈ મતદારો અભિભૂત થયા હતાં. કે આ દાવેદારો ગરીબ મતદારોની સેવા કરવા દાવેદારી નોંધાવવા આવ્યા છે. કેટલાકે તો મોંઘીદાટ કાર ની આસપાસ સેલ્ફી પડાવી કે 2 ઘડી કાર પર હાથ ફેરવી અતિ આનંદનો ઉત્સાહ અંતરમાં ભર્યો હતો.
જો કે ગરીબોની સેવા કરવી હોય તો કાર તો મોંઘી જ જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું. અને કેમ ના હોય વલસાડ જિલ્લામાં હાલમાં એક ભાજપના ગરીબ કાર્યકરને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા ત્યારે એ ગરીબ પ્રમુખ પાસે એકપણ કાર નહોતી પરંતુ 6 મહિનામાં આ પ્રમુખ સાહેબે નવીનક્કોર ફોર્ચ્યુનર કાર ગરીબો ની સેવામાં ફરવા માટે વસાવી લીધી. વલસાડ જિલ્લામાં આવા તો અનેક ગરીબોના નેતાઓ છે. જે એક સમયે દ્વિચક્રી વાહન પર ગરીબોની સેવા કરવા જતાં હતા. આજે મર્સીડિઝ, જેગુઆર, વોલ્વો, ઓડી જેવી મોંઘીદાટ અને લકઝરીયસ કારમાં ગરીબોની સેવા કરતા જોવા મળી રહ્યા છે. ભલું થજો આ નેતાઓનું કે તેમના પ્રતાપે આજે ગરીબ મતદારો મોંઘવારી, બેરોજગારી, આર્થિક સંકડામણ માં પણ સેવા માટે આવતા નેતાઓને મોંઘીદાટ કારમાં ફરતા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *