વાપીમાં આનંદ નગરમાં રહેતા ઉમેશ પટેલ અને ભાનું પટેલ નામનું દંપતી છેલ્લા 2 વર્ષથી તેમના ઘરે ભક્તિમય વાતાવરણમાં દશામાંની મૂર્તિનું સ્થાપન કરી 10 દિવસ તેમની પૂજા અર્ચના કરે છે. દશામાં ને તેઓ પરચા પૂરતા માતાજી માને છે. તેમના ધાર્યા કાર્ય માતાજીએ પૂર્ણ કર્યા છે. આ વર્ષે પણ તેમની પૂજા અર્ચના કરી વ્રત ના અંતિમ દિવસે માતાજીની પ્રતિમાનું અશ્રુભીની આંખે દમણના દરિયામાં વિસર્જન કર્યું હતું.
આ અંગે ભાનુબેન પટેલે જણાવ્યું હતું કે, દસ દિવસની માતાજીની પૂજા અર્ચના બાદ હવે તેને વિદાય કરવાની ઘડી આવી છે. ત્યારે આંખમાં આંસુ આવી રહ્યા છે. માતાજી હંમેશા તેમની પાસે રહે તેની પૂજા અર્ચના કરતા રહીએ તેવો ભાવ મનમાં જાગ્યા કરે છે. અને જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી માતાજીની સેવા કરવાનો ભાવ છે. માતાજીએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે. એટલે 2 વરસથી પોતાના ઘરે જ તેની પ્રતિમાની સ્થાપના કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પરિવારના સભ્યો, મિત્રો પણ જોડાય છે. તમામ માતાજીના દર્શનનો લ્હાવો લેવા અચૂક ઉપસ્થિત રહે છે.
દશામાં પ્રત્યેની પત્નીની ભક્તિથી પ્રેરિત થઈ દશામાંના પરચામાં માનતા થયેલા પતિ ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી દશામાની પ્રતિમાની સ્થાપના કરી તેની ઉજવણી કરી રહ્યા છે. માતાજીની અસીમ કૃપા સમગ્ર વાપી પર વરસતી રહે, સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના આ વ્રત દરમ્યાન માતાજી પાસે કરે છે. તેમની આ ભક્તિ સાથે કુટુંબ પરિવારના સભ્યો પણ પૂજન અર્ચન અને ભજન સાથે જાગરણ માં ઉપસ્થિત રહી વ્રતની ઉજવણી કરે છે.
ઉલ્લેખનીય છે કે, દશામાંનું વ્રત દસ દિવસનું હોય છે. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે. જે બાદ માતાજીને વિદાય અપાય છે. આ દંપતી દશામાં પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા આસ્થા ધરાવે છે. માતાજીનો સતત પરચો મળતો રહ્યો છે. એટલે દશામાં પ્રત્યે તેમની શ્રદ્ધા ભક્તિમાં પણ એટલો જ ઉત્સાહ છલકાતો રહે છે.