Friday, March 14News That Matters

વાપીમાં ACB ની ટ્રેપ! નિવૃત્તિ આડે માંડ એક વર્ષ બાકી હતું અને PSI પી. એલ. દાફડા 1 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા

વાપી :- વાપીમાં ચલા પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા PSI પી. એલ. દાફડા 1 લાખની લાંચ લેતા વલસાડ ACB ના હાથે ઝડપાઇ જતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. લાંચ પ્રકરણમાં પકડાયેલ PSI એ ફરિયાદી પાસેેેથી પહેલાં 4 લાખ રોકડા લીધા બાદ 86,700નું ઘરનું ફર્નિચર પણ લાંચમાં ખરીદાવ્યું હોવાની વિગતો ACB ને મળી છે.
વલસાડ જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં વાપીના એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે, તે મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયા બાદ રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે ફરિયાદીને વોટ્સએપ કોલ કરી ફરિયાદી પાસે રૂપિયા દસ લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાની ના પાડી હતી. 
જેથી કર્મચારીના મિત્રએ ફરિયાદીની મેડીકલ એજન્સીના નામે ખોટાં લેટર પેડ બનાવી ખોટી સહીઓ કરી રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી, અને રૂપિયા ન આપે તો ફરિયાદીને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદીએ આ અંગે કર્મચારીના મિત્ર વિરૂધ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 14મી એપ્રિલે લેખિત અરજી આપી હતી. 
જે અરજીની તપાસ કરી રહેલા વાપી ટાઉન પોલીસ સ્ટેશન હસ્તકના ચલા પોલીસ ચોકીના વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટર, 
પી. એલ. દાફડાએ FIR દાખલ કરવાના અવેજ પેટે 5,0000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાંથી PSI દાફડાએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે 4 લાખ અગાઉ લઈ લીધા હતાં. અને FIR દાખલ કરી હતી. જે બાદ પોતાના ઘરના જરૂરી ફર્નિચર જેમાં 1 એસી, 1 ફ્રીઝ, 2 સેટી, 2 ગાદી, 1 કબાટ, 1 ગીઝર મળી કુલ 86,700 રૂપિયાની ચીજ-વસ્તુઓ ખરીદાવી હતી.
બાકીના 1 લાખ રૂપિયા લાંચની રકમ પેટે લેવાના બાકી હોય જેની PSI દાફડાએ માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ 22મી મેં ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશન વલસાડનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી PSI દાફડાને ફરીયાદીના ઘરે બોલાવ્યા હતાં. જ્યાં PSI પી. એલ. દાફડા 1 લાખની રકમ સ્વીકારતા ACB ના હાથે ઝડપાઇ ગયા હતાં. 
આ સમગ્ર ટ્રેપ મદદનીશ નિયામક અને સુરત ACB એકમના સુપર વિઝન અધિકારી
એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. આર. સક્સેના અને તેમના સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. 
ઉલ્લેખનીય છે કે PSI પી. એલ. દાફડાની નિવૃત્તિ આડે માત્ર એક વર્ષ બાકી છે. વાપી પહેલા અમરેલીમાં ફરજ બજાવતા હતા અને 6 મહિના પહેલા તેનું ટ્રાન્સફર વાપી ટાઉન પોલીસ ચોકીમાં કરવામાં આવ્યું હતું. વાપીમાં નવું ઘર ભાડે લઈ પરિવારે સાથે વસવાટ કરવાના ઇરાદે તેમણે ઘરનું જરૂરી ફર્નિચર ફરિયાદી પાસે ખરીદાવ્યું હતું. PSI દાફડાએ એ મુજબ કુલ 5,86,700ની લાંચ લીધી છે. જે અંગે ACB એ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *