Tuesday, February 25News That Matters

બિરસા મુંડા સર્કલના વિવાદને લઈ આમ આદમી પાર્ટીએ સમસ્ત આદિવાસી સમાજના સભ્યો સાથે વાપી નગરપાલિકામાં આપ્યું આવેદનપત્ર

વાપી નગરપાલિકા દ્વારા તા.30/04/2022ના સામાન્ય સભામાં ઠરાવ નં. 6(4) ના અનુસંધાનમાં નામધા રોડ પર બિરસા મુંડા સર્કલ નામાંકરણ કરવાનો ઠરાવ કર્યા બાદ તે સર્કલનું નામકરણ કર્યું નથી, સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તે અંગે અનેક વખત રજુઆત કરી છે. તે બાદ પણ પોલીસ તંત્ર દ્વારા તેમની હેરાનગતિ કરવામાં આવતી હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટી અને સમસ્ત આદિવાસી સમાજ સંગઠનના સભ્યોએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપી વહેલી તકે ઠરાવ મુજબ સર્કલનું નામ બીરસા મુંડા જાહેર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

વાપી નગરપાલિકામાં આ આવેદનપત્ર આપવા આવેલા આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેંદ્ર ગાંવિતે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ ઠરાવ કરી નામધા ખાતે બિરસા મુંડાની પ્રતિમા સાથે સર્કલ બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ તેમાં કોઈ વિરોધ કે અડચણ ને કારણે તે કામગીરી થઈ નથી. આ ચોકમાં તા.09/08/2023 ના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે વાપી આદિવાસી સમાજના તમામ સભ્યોએ તકતી મૂકી છે. નગરપાલિકા આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે અને પોલીસ સાથે વાટાઘાટો કરી તકતી યથાવત રહેવા દે નહિ તો, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા સમિતિ આદિવાસી સમાજના સમર્થનમાં ઉગ્ર આંદોલન કરશે.

આપ અને આદિવાસી સમાજના સભ્યોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કરેલા ઠરાવ અને 244 (1) બંધારણીય હક્ક અધિકાર આધીન સમાજના આગેવાનોએ ક્રાંતિકારી બિરસા મુંડા ચોકના નામકરણ અંગે તેમજ પ્રતિમા મુકવા અંગે અનેક વખત રજુઆત કરી છે. હાલમાં તે સર્કલને લઈ પોલીસ દ્વારા તેઓને તકતી હટાવી લેવાનું ફરમાન કરાતું હોય તેવી રજુઆત કરવા સાથે તમામ આવેદનપત્ર આપવા નગરપાલિકાએ આવ્યા હતાં. જો કે, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખ બન્ને ગેરહાજર હોય પાલિકા કર્મચારી સાથે રજુઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા સમિતિ અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. કે આદિવાસી સમાજને કોઈજાતનું માન કે સમ્માન આપવામાં નહિ આવે, અને પોલીસ વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. તેથી પાલિકા વહેલી તકે તેમણે કરેલ ઠરાવ અંગે યોગ્ય કાર્યવાહી કરી આદિવાસી સમાજને ન્યાય આપે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *