વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા તેમજ ક્વોરી વ્યવસાય સાથે જોડાયેલ રાજેશભાઈ મોહનભાઈ પટેલને ત્યાં 10મી ડીસેમ્બરની રાત્રીએ તેમની પુત્રી એકતાનાં લગ્ન હતા. જેમાં વર પક્ષ દ્વારા કન્યાને ચઢાવવાના અંદાજિત 23 તોલા જેટલા દાગીના ભરેલ બેગ કોઈ યુવક ઉઠાવી જતા ભિલાડ પોલીસ મથકમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાપીનાં ચલામાં રહેતા રામચંદ્ર પટેલનાં પુત્ર ચિરાગના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા રાજેશભાઈ મોહનભાઈ પટેલની પુત્રી એકતા સાથે લગ્ન ગોઠવ્યા હતાં. 10 મી ડિસેમ્બરે આ લગ્ન હતા. રાત્રિના નવ વાગ્યા બાદ જાન લઈને વરપક્ષ મંડપમાં પહોંચ્યા હતા. કન્યાપક્ષ દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરી જાનૈયાઓને આવકાર્યા હતા.
જેમાં લગ્ન કરાવી રહેલા મહારાજ દ્વારા કન્યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્યા ઉપર મળી ન હતી. રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ લગ્ન મંડપ અને આજુબાજુના વિસ્તારમાં કન્યાના સોનાના ઘરેણાં ભરેલી બેગની શોધખોળ કરી હતી. પરંતુ બેગ ન મળતાં કંઈ લગ્ન મંડપમાંથી સોનાના ઘરેણાં ભરેલી બેગની ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા ઉદ્યોગપતિનાં ઘરે લાગેલા CCTV કેમેરા ચેક કરતા સૂટ બૂટમાં આવેલો અજાણ્યો ઈસમ જાનૈયા અને રાજેશભાઇના પરિવારના સભ્યોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને અજાણ્યો યુવક રફુચક્કર થતો દેખાયો હતો.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે મહેમાનો, મિત્ર વર્ગ અને જાનૈયા ભોજન લેવામાં અને વર અને કન્યા પક્ષના પરિવારના સભ્યો લગ્નની વિધિઓમાં વ્યસ્ત થયા હતા. વર અને કન્યાનાં લગ્ન વિધિનો મહારાજે પ્રારંભ કર્યો હતો. લગ્ન પુરા થતા આતશ બાજી થઈ હતી. ત્યાર બાદ કન્યા દાનની વિધિ પૂર્ણ થઈ હતી.
દાગીના ભરેલ બેગમાં કન્યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા જેનું અંદાજિત વજન 23 તોલાનાં સોનાના ઘરેણાં હતા. જેની કિંમત રૂ.7.89ની કિંમતના ઘરેણાં ચોરી થઇ હતી. રાજેશભાઇ પટેલે બનાવ અંગે ભિલાડ પોલીસને જાણ કરતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ભિલાડ પોલીસે LCB, SOGની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ભિલાડ પોલીસ મથકે રાજેશભાઇ પટેલે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભિલાડ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.