શનિવારે સવારે વાપી નજીક રાતા-ડુંગરા ખાતે બની રહેલ પોલીસ હાઉસીંગની એક ઇમારતના બીજા માળેથી એક મજૂર મહિલા નીચે પટકાઈ હતી. મહિલા મજૂર ઇમારતના નવા કન્સ્ટ્રકશન માં પાણી છાંટતી હતી. ત્યારે અચાનક પગ સ્લીપ થતા નીચે જમીન પર પટકાઈ હતી. નીચે પટકાયેલ મહિલાને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. જ્યારે કોન્ટ્રાક્ટરે મહિલાના સારવાર ખર્ચ અંગે હાથ ઊંચા કરી દીધા હોવાનો આક્ષેપ ઇજાગ્રસ્ત મહિલાના પરિવારે કર્યો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ કપરાડા તાલુકાના કેતકી આંબલી ગામે રહેતા વિજય ધરમાં વરઠાની બહેન સુમિત્રા અને તેનો પતિ જયદીપ છેલ્લા સાતેક વર્ષથી દિપક લાડ નામના કોન્ટ્રાકટર પાસે મજૂરી કામે આવતા હતાં. કોન્ટ્રાકટર દિપક લાડ સરકારી કોન્ટ્રાકટર હોય હાલમાં વાપી નજીક રાતાં ડુંગરા ખાતે પોલીસ હાઉસીંગનું કન્સ્ટ્રકશન કામ કરે છે. જેની પાસે સુમિત્રા બાંધકામમાં પાણી છાંટવાનું અને સાફસફાઈનું કામ કરતી હતી.

શનિવારે સુમિત્રા રાબેતા મુજબ બીજા માળે પાણી છાંટતી હતી. તેનો પતિ જયદીપ લિફ્ટ ચલાવતો જતો. જ્યારે તેનો ભાઈ વિજય છઠ્ઠા માળે કામ કરતો હતો. ત્યારે અચાનક જ નીચે કંઈક પડવાનો અવાજ આવતા તેઓએ નીચે જોયું જતું. જેમાં સુમિત્રા જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી. જેને પતિ જયદીપે તાત્કાલિક ઊંચકી વાહનમાં પ્રથમ જીવદીપ હોસ્પિટલ અને ત્યાંથી હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.

ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાઇ હતી. મહિલાના છાતીના ભાગે, પીઠના ભાગે ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણકારી કોન્ટ્રાકટર દિપક લાડ ને કરતા તેણે હોસ્પિટલે આવી અરજન્ટ કામ હોવાનું કહી ચાલતી પકડી હતી. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનો પરિવાર ગરીબ હોય સારવારનો ખર્ચ કઈ રીતે ઉઠાવશે તેની મુંઝવણમાં મુકાયો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરે સારવારનો ખર્ચ આપવાને બદલે માં કાર્ડ કે આયુષમાન કાર્ડ કઢાવી સારવાર કરી લો તેવું જણાવી હાથ અધ્ધર કરી દીધા છે.
ઘટના અંગે ડુંગરા પોલીસને જાણકારી આપવામાં આવી છે. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં MRI, સીટી સ્કેન સહિતની ઇમરજન્સી સારવાર આપી વોર્ડમાં વધુ સારવાર અપાઈ રહી હોવાનું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું.