વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા બહાર ગામથી આવતા અજાણ્યા લોકોને ઓળખ પત્ર આપવાની કામગીરીને વેગ અપાયો છે. ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ ગામના આગેવાનોના હસ્તે બહાર ગામથી આવતા લોકોને ઓળખ પત્ર આપવામાં આવ્યા હતાં.
ગ્રામ પંચાયત નારગોલ દ્વારા 2007 થી અવિરત ચાલી રહેલ ENTRY WITH I-CARD YOJNA ના વખાણ ખુદ તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યા હતા. ગામમાં કોઈ બહારના વ્યક્તિ આવી ગામની અંદર કોઈ ચોરી, લૂટ કે અન્ય ગુનાહિત પ્રવૃતિને અનજામ નહીં આપે તેની પૂરતી તકેદારી માટે ગ્રામ ગ્રામ પંચાયત નારગોલ દ્વારા વર્ષ 2006-07 માં તત્કાલિન સરપંચ યતીનભાઈ બી. ભંડારીના નેતૃત્વમાં “ગ્રામ સુરક્ષા સમિતિ”ની રચના કરવામાં આવી હતી જેમાં સ્થાનિક યુવાન યુવતીઓને ગ્રામ સુરક્ષા સમિતિના સ્વયં સેવક તરીકે ભરતી કરવામાં આવી હતી.
તેમજ ગામમાં બહાર ગામથી આવતા ફેરિયાઓ, શ્રમિકો, ભાડૂતો પાસે પંચાયત દ્વારા તૈયાર કરવામાં આવેલ માહિતી પત્રક ભરાવી એવા વ્યક્તિ પાસે તેના નામ ઠામની સંપૂર્ણ માહિતી, ફિંગરપ્રિન્ટ, ફોટો વગેરે લીધા બાદ ગામની અંદર ફરવા માટે ઓળખ પત્રક આપવામાં આવે છે. ગ્રામ પંચાયતની બોડી બદલાતી ગઈ પરંતુ આ યોજના અવિરત પણે ચાલી આવે છે.
હાલના સરપંચ સ્વીટી ભંડારીએ સરપંચ તરીકેની જવાબદારી સાંભળ્યા બાદ આ યોજનાને વધુ આધુનિક કરવા માટે કેટલાક અપડેટ કરી આ કામગીરીને વેગ આપ્યો છે. સરપંચ સ્વીટી ભંડારીના મત મુજબ ગામના લોકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. સામાન્ય રીતે નારગોલ ગામની અંદર ચોરી લૂટ જેવી ઘટના નહિવત બને છે જેનો મુખ્ય શ્રેય ગામની જાગૃત પ્રજાને જાય છે.
ગ્રામ સુરક્ષા માટે આવી અનોખી યોજના ચલાવતી દેશ ભરની એક માત્ર ગ્રામ પંચાયત
બહાર ગામથી આવતા લોકો ઉપર પંચાયતની તીસરી આંખ સમી ગ્રામ સુરક્ષા સમિતિના સ્વયંસેવકોની સંખ્યામાં રોજે રોજ ઉમેરો થઈ રહિયો છે. ગ્રામ સુરક્ષા માટે આવી અનોખી યોજના ચલાવતી દેશ ભરની એક માત્ર ગ્રામ પંચાયત નારગોલ છે. વર્ષ 2009માં આ કામના વખાણ ગાંધીનગર ટાઉન હોલમાં જાહેર મંચ ઉપરથી ખુદ તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યા હતા. સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ પંચાયત કચેરી ખાતે દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના આગેવાન ધનસુખભાઈ રાઠોડ અને ગામના અન્ય આગેવાનોના હસ્તે બહાર ગામથી આવતા લોકોને ઓળખ પત્ર આપવામાં આવ્યા હતા.