બુધવારે વાપીના ચણોદમાં શિવાજી નગરમાં એક ઘરમાં ગેસ લિકેજને કારણે એક વ્યક્તિ દાઝી ગઈ હતી. જેને 108ની ટીમે હોસ્પિટલ પહોંચાડતા પહેલા એમ્બ્યુલન્સ માં જ ઇન્જેક્શન સાહિતની જરૂરી ટ્રીટમેન્ટ આપી ઉગારી લીધો હતો. યુવક શરીરે 32 ટકા જેટલો દાઝી ગયો હતો.
ઘટના અંગે 108 તરફથી વિગતો મળી હતી કે, સવારે 8:30 કલાકે વાપી 108 ની ટીમને ચણોદ ગામ નજીક શિવાજી નગર સોસાયટીમાંથી એક એક વ્યક્તિ દાઝી ગયો હોવાનો કોલ મળ્યો હતો. યુવક ઘરમાં જ ગેસ લીકેજ થતા લાગેલી આગમાં દાઝયો હતો. એટલે 108 ની ટીમ ના EMT પટેલ પ્રિયંકા અને પાયલોટ કલ્પેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઘટના સ્થળે પહોંચતા જાણ થઈ હતી કે 26 વર્ષના રાજુ આશુ બાવરી નામનો યુવાન સવારે રસોઈ બનાવતો હતો ત્યારે, ગેસની બોટલ લીકેજ થવાના કારણે દાઝી ગયો હતો.
108 ની ટીમ પહોંચી ત્યારે તે ઘણી માત્રામાં દાઝી ગયો હતો. EMT પટેલ પ્રિયંકા દ્વારા દર્દીના દાઝી ગયેલા ભાગ પર ડ્રેસીંગ કરવામાં આવ્યું હતું. પેશન્ટને ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડીગ્રી બર્ન 32% થયું હતું. ઈએમટી પટેલ પ્રિયંકાએ જરૂરી સારવાર આપવા તાત્કાલિક 108 ની હેડ ઓફિસે સ્થિત ફિઝિશિયન ઇઆરસીપી ડૉ. સુમિતા સાથે દર્દીની દાઝી ગયા ની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ડૉ. સુમિતાના માર્ગદર્શન મુજબ એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઇન્જેક્શન આપી, ઓક્સિજન સહિતની ટ્રીટમેન્ટ પુરી પાડી હતી.
જે બાદ દાઝેલ વ્યક્તિને બળતરા સહિત અન્ય પરિસ્થિતિમાં સુધારો જણાતા વધુ સારવાર માટે નજીકની વાપીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આમ હોસ્પિટલ પહોંચતા પહેલા તમામ સારવાર 108 માં જ મળી જતા દાઝેલ વ્યક્તિની હાલતમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો અને દર્દીના પરિવારજનોએ 108 નો આભાર માન્યો હતો