સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમા વાપીનો વિદ્યાર્થી મિત્રો સાથે તરવા આવ્યો હતો. સ્વીમીંગ પુલના માધ્યમ પહોંચ્યા બાદ અચાનક સગીર ન દેખાતા સગીરના મિત્રોએ તાત્કાલિક કોચને ઘટનાની જાણ કરી હતી. કોચે સ્વિમિંગ પુલમાં ચેક કરતા ડૂબેલી હાલતમાં વિદ્યાર્થી મળી આવ્યો હતો. જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થીનું પાણીમાં ડુબી જતા મોત થયુ હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ વાપી GIDCના ડુંગરી ફળિયામાં રહેતો 16 વર્ષીય, સંદીપ ગોંડ જે એના મિત્રો સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમા તરવા માટે ગયો હતો. સેલવાસના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના સ્વિમિંગ પુલમાં સંદીપ અને તેના મિત્રો સ્વિમિંગ કરી રહ્યા હતા. ત્યારે તરતા તરતા સંદીપ સ્વિમિંગ પુલની વચ્ચે પહોંચ્યા બાદ અચાનક અનકોન્સેસ થઈ જતા સ્વિમિંગ પુલના પાણીમાં જ ડૂબી ગયો હતો. સાથે આવેલ મિત્રોને સંદીપ સ્વિમિંગ પુલમાં ન દેખાતા ઘટનાની જાણ સેલવાસ સ્પોર્ટ્સ કોપ્લેક્સના કોચને કરી હતી.
સેલવાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કોચે તાત્કાલિક સ્વિમિંગ પુલમા શોધખોળ કરતા સંદીપ સ્વિમિંગ પુલમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. કોચે સંદીપને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સંદીપ ભાનમાં ન આવતા તાત્કાલિક સેલવાસની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામા આવ્યો હતો. સ્પોર્ટ્સ ક્લબના સંચાલકોએ બનાવની જાણ સંદીપના મિત્રને અને પરિવારના સભ્યોને કરી હતી.
સેલવાસની સિવિલ હોસ્પિટલના ફરજ ઉપરના ડોકટરે સંદીપને સ્વિમિંગ પુલના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસ ની ટીમને થતા સેલવાસ પોલીસની ટીમેં ઘટના સ્થળે પોહચી CCTV ફુટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.