વાપી ચણોદ ચાર રસ્તા પરના ત્રિરત્ન સર્કલ ઉપર મહાનુભવોની પ્રતિમાઓને એક ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. ટેન્કરની ટક્કરથી સ્ટ્રક્ચર પર મૂકેલ શિવાજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની પ્રતિમાને ખંડિત કરી હતી. ઘટના 6 વાગ્યે બની હતી. જે બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. મહાનુભાવોની પ્રતિમા ખંડિત થતા સ્થાનિક લોકોની લાગણી દુભાઈ હતી. જેઓએ તાત્કાલિક ટેન્કર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓને જાણ થતાં વિવિધ સંસ્થાના આગેવાનો ત્રિરત્ન સર્કલ પાસે એકત્રિત થઈ કન્ટેનર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. અગ્રણીઓએ પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રિરત્ન સર્કલ પાસે લાગેલા સરકારી અને ખાનગી.CCTV ફૂટેજ મેળવી ટેન્કરનો નંબર જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ ત્રિરત્ન સર્કલ પાસે ડુંગરા ફળીયા તરફથી આવતા ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર બેફિકરાઈ પૂર્વક હંકારી ત્રિરત્ન સર્કલ સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. જેથી સર્કલ ઉપર લાગેલી મહાનુભાવોની પ્રતિમાઓ અને સ્તંભ જમીનદોસ્ત થઈ ગયા હતા. ટેન્કર ચાલક ત્રિરત્ન સર્કલ ખાતે મુકવામાં આવેલી મહાનુભાવોની પ્રતિમાને નુકસાન પહોંચાડી ટેન્કર લઈને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે સ્થાનિક લોકો અને અગ્રણીઓને બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારના ચકચાર મચી ગઈ હતી.
આ ત્રિરત્ન સર્કલ પર છત્રપતિ શિવાજી મહારાજ, ડોક્ટર ભીમરાવ આંબેડકર અને જ્યોતિબા ફુલે જેવા મહાનુભાવોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ અગાઉ પણ એક વખત આ પ્રતિમાઓને એક વાહન ચાલકે ટક્કર મારતા મોટી બબાલ થઇ હતી અને ફરી એક વખત આવી ઘટના બનતા લોકો રોષે ભરાયા હતા. એકત્રિત થયેલા વિવિધ સમાજના લોકો અને અગ્રણીઓએ આ મામલે ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધી ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. અને જો કાર્યવાહી કરવામાં નહિ આવે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સર્કલ પર કાયમી ધોરણે મહાનુભાવોની પ્રતિમા મૂકી શકાય તેવું સ્ટ્રક્ચર ઉભું કરવા સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નેતાઓને રજુઆત કરી હતી જો કે તે રજુઆત બાબતે નેતાઓએ દુર્લક્ષય સેવ્યું હોય આ ઘટના બાદ કાયમી ટ્રક્ચર બને તેવી માંગ પણ સ્થાનિક લોકોએ કરી હતી.