વાપી મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે જરૂરી બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જે બજેટમાં કરેલ જોગવાઈ મુજબ વિકાસના દરેક કામોની સમયસર અમલવારી થઈ શકે. તેના જરૂરી આયોજન સાથેની ચર્ચા કરવા શનિવારે ખાસ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી મહાનગરપાલિકા કમિશ્નર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
નિયત સમયથી દોઢ કલાક મોડી શરૂ થયેલ આ બેઠકમાં જે ચર્ચાઓ થઈ હતી તે અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપી મહાનગરપાલિકા બન્યા બાદ હાથ ધરેલા કામોની સમીક્ષા કરવામાં આવી છે. જે 11 ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ગામમાં સફાઈની સ્થિતિ સુંદર રીતે ચાલી રહી છે. તેનાથી ગામ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. એ સિવાય દરેક ગામમાં વિકાસના કામ માટેનો ખાસ પ્લાન તૈયાર થઈ ગયો છે. દરેક ગામમાં જ્યાં સુધી સંપૂર્ણ સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી ટેક્સ વધારો પણ કરવામાં આવશે નહિ. તો, આ ગામના સરપંચોએ જે વિકાસકામના ખર્ચ કર્યા છે. અને તેનું ચુકવણું બાકી છે તે પણ વહેલામાં વહેલું પૂરું કરી દેવામાં આવશે.
કનુભાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે, વાપી મહાનગરપાલિકામાં 11 ગામનો સમાવેશ કરવા પાછળનો ઉદેશ્ય એ છે કે, આ ગામો વાપી ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા છે. જે દરેક ગામમાં વસ્તીનું ભરણ વધ્યું હતું. બહુમાળી ઇમારતો બનતી હતી જેની સામે ડ્રેનેજ પાણીની યોગ્ય સુવિધાઓ નહોતી. જે અભાવ દૂર કરવા આ ગામોનો સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા બનાવી છે.
તો, વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાપી મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ આ વિસ્તારમાં થનારા કાર્યને વધુ પ્રાધાન્ય આપી શકાય તે માટે આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકોને જરૂરી સુવિધાઓ આપી શકાય, ટ્રાફિકને લગતા પ્રશ્નોનો પણ નિરાકરણ કરી શકાય, વાપી વેસ્ટને કનેક્ટ કરતા રેલવે અંડર પેડિસ્ટ્રીયન બ્રિજનું 23મી માર્ચના ઉદ્ઘાટન થશે. તળાવનું પણ ઉદઘાટન થશે. તે અંગે મત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરી હતી.
અન્ય કામોને પણ વેગ આપી મેં મહિનામાં કે જૂન મહિના પહેલા સારી ક્વોલિટી સાથે વિકાસના કામ ને પૂર્ણ કરવા તમામ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ચોમાસા પહેલા જરૂરી મહત્વના કામોને પૂર્ણ કરવાની નેમ આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી છે.
કમિશ્નરને વધુમાં જણાવ્યું હતું કે, બલીઠા બ્રિજનો બીજો છેડો, J ટાઈપ બ્રિજ, ગામ મુજબ બજેટ બનાવી મુખ્ય રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટના કામ, ડ્રેનેજ, સ્ટ્રોમ વૉટર ડ્રેઇન, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવી ટાંકીઓ, અને અન્ય જરૂરી સુવિધાઓ 31મી મેં પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના નોટિફિકેશન નં. KV-11 of 2025-UDUHD/COC/e-file/18/2024/6141/P Section Dt.01-01-2025 થી વાપી નગરપાલિકા અને આજુબાજુમાં આવેલ 11 ગામોને સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા બનાવવામાં આવેલ છે. જે મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટેની આ રિવ્યુ બેઠકમાં PWD, આરોગ્ય, લાઈટ, ડ્રેનેજ, પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓ પાસેથી હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. તેમજ પાવર પ્રેઝન્ટેશન સાથે વિકાસના કામોની જરૂરી માહિતી આપી દરેક કામ વહેલા પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી.