વાપી નજીક છરવાડા ગામમાં આવેલ આંગન કુટીર કો.ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડમાં રહેતા એક રહેવાસીએ પોતાના ફ્લેટમાં જ અનાજ કરિયાણાની દુકાન ખોલી વેપારધંધો શરૂ કરતાં સોસાયટીના રહેવાસીઓએ તેનો વિરોધ કરી આ દુકાન બંધ કરાવવા વલસાડ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી પારડી, છરવાડા ગ્રામ પંચાયત, નગર નિયોજક, DDO, TDO અને આ સોસાયટીનું નિર્માણ કરનાર બિલ્ડરને લેખિતમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ ચર્ચિત પ્રકરણ અંગે આંગન કુટીર સોસાયટીના પ્રમુખ અશોક બીશ્નોઈએ જણાવ્યું હતું કે, રેસિડેન્સીયલ સોસાયટીમાં ગેરકાયદેસર દુકાન ચાલુ કરતા બહારની સોસાયટીના લોકો સોસાયટીમાં આવી રહ્યા છે. જેથી સોસાયટીના રહીશોને અનેક તકલીફો ઉભી થઇ રહી છે. સોસાયટીના અન્ય લોકો પણ હવે દુકાન ખોલવાની વાત કરી રહ્યા છે. સોસાયટીના ટ્રેઝરર બંસરાજે જણાવ્યું હતું કે, રેસિડેન્સીયલ એરિયામાં ફ્લેટના માલિક મંગલા ગીરીએ કરિયાણાની દુકાન ખોલતા આ સોસાયટીમાં રહેતા 300થી વધુ ફ્લેટ ધારકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. જો એ દુકાન બંધ નહિ કરે તો આગામી દિવસોમાં અહીં મચ્છી, મટન અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો ખોલવા રહેવાસીઓ જીદ પકડી રહ્યા છે.
જો કે, સોસાયટીના સભ્યો, રહેવાસીઓના આક્ષેપ સામે કરિયાણાની દુકાન ખોલનાર મંગલાગીરી એ જણાવ્યું હતું કે, તે આ જ સોસાયટીમાં રહે છે. એક મકાન તેમણે રહેઠાણ માટે ખરીધ્યું છે. જે બાદ બીજું મકાન બિલ્ડર સાથે વાત કરી કરિયાણાની દુકાન માટે ખરીધ્યું છે. બિલ્ડરે તેમને આ માટે સંમતિ આપી છે. હવે સ્થાનિક અન્ય રહેવાસીઓ તેનો વિરોધ કરે છે. સોસાયટીમાં અન્ય રહેવાસીઓ પણ દુકાન ખોલીને બેઠા છે. અહીં રહેતા રહેવાસીઓ ગેસના વાહન પાર્ક કર છે, અન્ય માલસામાનના વાહનો લઈને આવે છે. તેનાથી કોઈને આપત્તિ નથી તો મારી કરિયાણાની દુકાનથી કેમ આપત્તિ છે. જો આ તમામ પર નિયંત્રણ લગાવવામાં આવશે તો તે પોતે પણ દુકાન બંધ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે, છરવાડામાં બિનખેતી સર્વે ન, 1343 (જૂનો સર્વે નં 149 પૈકી-1) વાળી જગ્યામાં આવેલ આંગન કુટીર નામની સોસાયટીના રહેવાસીએ આ અંગે બિલ્ડરને તેમજ વહીવટીતંત્રને લેખિતમાં ફરિયાદ કરી છે કે, રહેણાંક હેતુસર ગ્રાઉન્ડ પ્લસ ટુના મકાનો બનાવવા માટેના નકશા મંજુર કરી આંગન કુટીર સોસાયટી ઉભી કરવામાં આવી છે. હવે, જેમાં એન.એ.ની પરવાનગી વિરૂધ્ધ કોમર્શિયલ દુકાનો ચાલુ કરી એન. એ. હુકમનો ભંગ થયો છે. ગેર કાયદેસર રીતે દુકાનો ચલાવનારો જણાવે છે કે તેને બિલ્ડર દ્વારા પરવાનગી આપેલ છે. પરંતુ સોસાયટીના રહેવાસીઓ દ્વારા તેનો વિરોધ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી N A ના હુકમ વિરૂધ્ધ ચાલુ કરવામાં આવેલ દુકાન માલીક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.