ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગ ઉડાવવાનો અનોખો તહેવાર. આ દિવસે આકાશમાં લાલ, પીળો, કાળો, વાદળી એક નહીં પણ અનેક રંગમાં અને વિવિધ આકારમાં પતંગો ઊડતા દેખાય છે. ‘કાઇપો છે..’ની ચિચિયારીઓથી આખું આકાશ ગુંજી ઊઠે છે. આ દિવસે આકાશમાં પક્ષીઓ કરતાં નાના મોટા, સુંદર મજાના પતંગોથી સમગ્ર આકાશ રંગીન થઇ જાય છે. જો કે કોવિડ મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી પતંગ અને દોરીના ઉત્પાદનમાં વિઘ્ન આવ્યું હતું. જે બાદ આ વર્ષે નજીવા 10 થી 15 ટકાના ભાવ વધારા સાથે વેરાયટીસભર પતંગો બજારમાં આવી છે.
આ અંગે વર્ષોથી હોલસેલ પતંગની દુકાન ચલાવતા વેપારી આલોક શાહે જણાવ્યું હતું કે, કોરોના પછી આ વર્ષે પતંગ બજારમાં 10 થી 15 ટકાના ભાવ વધારા સાથે તેજી જોવા મળી છે. જોકે હાલમાં પતંગ બજારમાં ઘરાકી ઓછી છે. જે ઉતરાયણના છેલ્લી ઘડીના એકાદ બે દિવસમાં નીકળશે. વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ બજારમાં જયપુરી, અમદાવાદ, કલકત્તી, રામપુરી બરેલી વગેરે વેરાઈટી ની પતંગ ઉપલબ્ધ બની છે. જ્યારે પતંગના દોરામાં સાંકળ આઠ, ગેંડા, એકે 56, વર્ધમાન ટ્રેન્ડ ના પાંડા, બરેલી સ્પેશિયલ અને RD દોરની વેરાઈટી મળી રહી છે. પતંગ બજારમાં મળતી તમામ વેરાઈટીઓમાં આ વર્ષે બાળકો સાંકળ આઠ, ગેંડા, પાંડા દોરની વધુ માંગ કરી રહ્યા છે.
તો એ જ રીતે સરકાર દ્વારા ચાઈનીઝ દોરી અને તુકલ પર પ્રતિબંધ લગાડ્યો હોય તે અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે આ સરકારનો ખૂબ જ સારો પ્રયાસ છે. એક વેપારી તરીકે પણ કોઈને ચાઈનીઝ દોરી વાપરવાની સલાહ આપવામાં આવતી નથી .ચાઈનીઝ દોરી થી અનેક લોકોના ગળા કપાઈ જાય છે. ગંભીર રીતે ઘાયલ થાય છે. સરકાર તરફથી ચાઈનીઝ દોરી અને તુકલ પર જે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા લોક દરબાર યોજી જે સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે તેમાં દરેક વેપારીઓએ અને નાગરિકોએ સહકાર આપવો જોઈએ.
પતંગ બજારમાં સપ્લાય અને ડિમાન્ડ ઓછી થતા પતંગના ભાવોમાં વધારો થયો છે, આ વર્ષે પતંગના ભાવોમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે, આ સાથે દોરી અને બોબીનનું પ્રોડક્શન પણ ઓછું જ છે, જેથી ફિરકીના ભાવોમાં પણ વધારો નોંધાયો છે, દર વર્ષની જેમ આ વર્ષે મોદી-યોગીની તસવીરો વાળા પતંગો બજારમાં આવ્યા છે. પતંગ રસિયાઓ પતંગ સાથે ચશ્માં, ટોપી, જેવી અન્ય વેરાયટીઓ ખરીદતા હોય તે પણ બજારમાં વેંચાઈ રહી છે.મંદિરમાં પૂજા રૂપે ચડાવવા એકદમ નાનકડી પતંગ ફીરકી પણ ઉપલબ્ધ હોય તેની ખરીદીમાં પણ સારી ડિમાન્ડ જોવા મળી રહી છે.