વાપી નગરપાલિકા દ્વારા G-20 અંતર્ગત પર્યાવરણ અને વાતાવરણ ફેરફારની લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં વી.આઈ.એ. ઓડિટોરિયમ ખાતે G20 ના પ્રચાર પ્રસાર માટે નગરપાલિકા દ્વારા નાટકનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં આર્ટ્સ કલબ ફેમિલી વડોદરાના રાજેશભાઈ વ્યાસના નેતૃત્વ હેઠળ સંગીતમય કોમેડી એકાંકી નાટક ‘નેહલે પે દેહલા’ ની પ્રસ્તુતિ થઇ હતી. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઇ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત G-20 નું નેતૃત્વ કરી રહ્યું છે.
ગુજરાતમાં G-20 અંતર્ગત પર્યાવરણ જાગૃતિના સૌથી વધુ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે એ ગૌરવની વાત છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઇ, વિવિધ સમિતિના ચેરમેન, સભ્યોઓ ઉપરાંત વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ વગેરે સાથે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં karaoke ના સથવારે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ સહિતના અન્ય ગાયન શોખીનોએ પોતાના કંઠે ગીતો ગાઈ ઉપસ્થિત આમંત્રીતોની તાળીઓનું પ્રોત્સાહન ઝીલ્યું હતું.