વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વલવાડા મોહનગામ ફાટક પાસે પેટ્રોલિંગ માં રહેલ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા ના સ્ટાફે એક શંકાસ્પદ કાર ને રોકી તેમાંથી 42 હજારની ધાતુની પ્લેટ કબ્જે લેવા સાથે કાર ચાલકની ધરપકડ કરી ભિલાડ પોલીસને સુપ્રત કર્યો છે. કાર ચાલક પાસેથી મળી આવેલ ધાતુના પાટા ચોરીથી મેળવેલ હોવાની શંકા આધારે ભિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જીલ્લા ટ્રાફીક શાખાનો સ્ટાફ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે, વલવાડા ગામ મોહનગામ ફાટક પાસે ને.હા.નં 48 પર મુંબઇ થી સુરત તરફ જતા રોડ ઉપર વાહન ચાલતા વાહન ચેકીંગમાં એક GJ-15-CN-4529 નંબરની શંકાસ્પદ કાર ચાલકને અટકાવી તપાસ કરતા કારની ડીકી મા ન્યુઝ પેપરમાં વિટાળેલ ધાતુના પાટા મળી આવ્યા હતાં. જે બાબતે કાર ચાલક અમ્રત નાઈની પૂછપરછ કરતા તેમણે ચોક્કસ જવાબ આપ્યો નહોતો. તેમજ ધાતુની પ્લેટો અંગે બીલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો.
જેથી ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા ચણોદની અરિહંત ગાર્ડન સોસાયટીમાં રહેતા 19 વર્ષીય કાર ચાલક અમ્રત નાઈની IPC કલમ 41(1) D મુજબ અટક કરી કારમાંથી મળી આવેલ 42 હાજરની કિંમતની 70 કિલો પીગાળેલ ધાતુની પ્લેટો, 5 લાખની કાર મળી કુલ 5.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભિલાડ પોલીસને સુપ્રત કરતા ભિલાડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
પીગાળેલી ધાતુના પાટા અંગે પ્રાથમિક પૂછપરછ માં મળેલી વિગતો મુજબ તે વાપી GIDC માં સરદાર ચોક નજીક ગાલા નંબર F-2 મુલટીલેવલ શેડમાં આવેલ મોલ્ડ કંપનીમાંથી લઈ ઉમરગામમાં આવેલ જયદીપ કંપનીમા આપવા જતો હતો. જો કે, તેના કોઈ બિલ કે આધાર પુરાવા પોલીસ સમક્ષ રજુ કરી શક્યો ના હોય કાર ચાલકે આ પીગાળેલ ધાતુના પાટા ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ ઈસમ જે ગાડી નંબર GJ-15-CN-4529માં સવાર હતો તે કાર કોની છે. ધાતુની પ્લેટો કોના માલીકીની છે. તે કઇ રીતે લાવેલ છે. તે અંગે ભિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીગાળેલ ધાતુની પ્લેટ સાથે કાર ચાલકની અટક કરવામાં વલસાડ જિલ્લા ટ્રાફિક શાખાના PSI કે. ડી. પંથ ના માર્ગદર્શન હેઠળ અ.પો.કો ઇલેશ મહેશભાઇ તથા અ.પો.કો અશ્ર્વિનભાઇ અનિલભાઇએ મહત્વની કામગીરી બજાવી હતી.