વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કલગામ-મરોલી ગામ નજીક કોસ્ટલ હાઇવે પર આવેલ SRP કેમ્પમાં એક મજૂર 10 માં માળેથી પટકાયો હતો. જો કે મજૂર 5 માં માળે કામદારોની સેફટી માટે બાંધેલ ગ્રીન નેટ માં ફસાઈ ગયો હતો. જેને રેસ્ક્યુ કરવા વાપી પાલિકા ફાયરના જવાનોને જાણ કરતા પાલિકા ફાયરની ટીમે યુવકને હેમખેમ ઉગારી લીધો હતો. મજૂરને સામાન્ય ઇજાઓ થઈ હોય તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
આ અંગે વાપી નગરપાલિકા ફાયર વિભાગમાંથી મળતી વિગતો મુજબ સાંજે સાડા સાત થી 8 વાગ્યા વચ્ચે કોલ આવ્યો હતો કે કલગામ ગામે એક યુવક ઝાળી માં ફસાયેલ છે. જેથી તાત્કાલિક ફાયર વિભાગના સાગર માંગેલા સહિતના જવાનોને મીની ફાયર સાથે રવાના કરવામાં આવ્યા હતાં.
કલગામ કામે કલગામ-મરોલી નજીક કોસ્ટલ હાઇવે પર SRP કેમ્પમાં આ ઘટના બની હતી. જેમાં એક 10 માળની નિર્માણાધિન ઇમારતના 5 માં માળે કામદારોની સેફટી માટે બાંધેલ ગ્રીન નેટ માં એક યુવક ફસાયો હતો. પ્રાથમિક જાણકારી મુજબ યુવક અહીં ઇમારતના 10માં માળે મજૂરી કામ કરતો હતો. ત્યારે અચાનક નીચે પટકાયો હતો. અને 5માં માળે બાંધેલ ગ્રીન નેટમાં ફસાઈ ગયો હતો.
યુવક હેમખેમ હોય આસપાસના લોકોએ તેને ઝાળીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતાં. જેમાં નિષ્ફળતા મળતા વાપી ફાયરના જવાનોને બોલાવવામાં આવ્યાં હતા. વાપી પાલિકા ફાયરના જવાનોએ યુવાનને ઝાળીમાંથી હેમખેમ બહાર કાઢી તેનું રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યો હતો. 10માં માળેથી 5 માં માળે ઝાળી માં ફસાયેલા યુવકને પગના ભાગે ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ થઈ હતી. જેથી તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલ માં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ઘટના સમયે આસપાસના ગામલોકો અને SRP જવાનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જેઓની મદદથી ફાયરે યુવકને હેમખેમ રેસ્ક્યુ કરી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.