Friday, October 18News That Matters

સેલવાસમાં સ્માર્ટ સીટી બસમાં કંડક્ટરની નોકરી કરતી યુવતીએ ચોરીના આરોપથી હતાશ થઈ આપઘાત કરી લેતા સાથી કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કાર્યરત સ્માર્ટ સીટી બસની મહિલા કંડક્ટરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મૃતક યુવતી પર સ્માર્ટ સીટી બસના સંચાલકે ચોરીનો આરોપ મૂકી અપમાનિત કરી હતી. જેથી હતાશ થઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં સ્માર્ટ સીટી બસના કર્મચારીઓએ હડતાળ પાડી બસ સંચાલકો સામે આક્રોશનો સુર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલના બરડપાડા ગામે રહેતી અને છેલ્લા 3 વર્ષથી સેલવાસ સ્માર્ટ સીટી બસમાં મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતી સરસ્વતી ભોયા નામની યુવતીએ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્માર્ટ સીટી બસના સંચાલકો સામે યુવતીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીના અપમૃત્યુ બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓએ પણ હડતાળ પાડી આક્રોશ વ્યક્ત કર્યો છે.

ઘટના અંગે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી પર ચોરીનો આરોપ મૂકી તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી. દીકરી નિર્દોષ હોય તેમણે આ અંગે રજુઆત કરવા પિતાને સાથે લઈ બસ સંચાલકની ઓફિસે આવી હતી. જ્યાં બસ સંચાલકો તરફથી તેમના પર ચોરીના ગંભીર આક્ષેપ કરી અપમાનિત કરી હતી. જેથી તે ભાંગી પડી હતી. જે બાદ ઘરે જઇ આપઘાત કરી લીધો હતો.

યુવતીના આપઘાત બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓમાં પણ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેઓએ હડતાળ પાડી દેતા સ્માર્ટ સીટી બસની મુસાફરી કરવા માંગતા મુસાફરો અટવાયા હતાં. ઘટના અંગે સ્માર્ટ સીટી સેલવાસના CEO ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. યુવતી સ્માર્ટ સીટી બસ સર્વિસ ચલાવતી પ્રાઇવેટ એજન્સીમાં નોકરી કરતી હતી. પોલીસ તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સેલવાસ સ્માર્ટ સીટી બસ સર્વિસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે. સરસ્વતી ભોંયા નામની યુવતી પર બસમાં ટીકીટ ના પૈસા ચોરી કર્યા હોવાનો આરોપ લગાવી નોકરી માંથી બરતરફ કરી અપમાનિત કરી હતી. યુવતી નિર્દોષ હોય બસ સંચાલકો સામે પિતા સાથે રજુઆત કરવા આવી હતી. જેની રજૂઆતને ધ્યાને નહિ લેતા હતાશ થઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવતીના મૃતદેહ ને સરકારી હોસ્પિટલમાં લાવી PM સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીના મૃત્યુથી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *