Friday, October 18News That Matters

ચટાઈના વેપારી બની આવેલા ગઠિયાઓ 65.94 લાખના દાગીના લઈ રફ્ફુચક્કર?

વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ 65,94,340 રૂપિયાની કિંમતનું દોઢ કિલો સોનુ, 20 કિલો ચાંદી અને ડાયમંડ સેટની ચોરી કરી રફ્ફુચક્કર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ ચટાઈના વેપારી બની નજીકની દુકાન ભાડે રાખી દીવાલમાં બાકોરું પાડી આ ચોરીને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જ્યારે, સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.
વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. વરસાદી માહોલ વચ્ચે જવેલર્સની દુકાનમાં હાથફેરો કરનાર ચોર ટોળકીએ ચોરીને અંજામ આપવા પુષ્પમ જવેલર્સની પાછળના ભાગે બીજી દુકાનમાં પ્રવેશી તે દુકાનમાંથી જવેલર્સની દુકાનમાં દીવાલ તોડી બાકોરું પાડ્યું હતું.
મળતી વિગતો મુજબ ચોર ટોળકીએ જે દુકાનમાંથી બાકોરું પાડ્યું છે. તે દુકાન 20 દિવસ પહેલા ભાડે રાખી હતી. ચોર ટોળકીના 3 જેટલા ઈસમોએ મુંબઈના ચટાઈના વેપારી બની વાપીમાં ચટાઈનો વેપાર કરવાના બહાને દુકાન ભાડે રાખી હતી. જે બાદ દુકાનમાં દીવાલ તોડવાના ઓઝારો, ગેસ કટર જેવા સાધનો લાવી રાત્રીના સમયે આ ચોરીને અંજામ આપી જવેલર્સની દુકાનમાંથી 65,94,340  રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ સેટની ચોરી કરી હતી.
હાલ ચોરીની ઘટના બાદ પુષ્પમ જવેલર્સના માલિક પિયુષ જૈને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેની ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વાપી ટાઉન બજારમાં જે જવેલર્સની દુકાનમાં ચોરી થઈ છે. ત્યાંથી ટાઉન પોલીસ સ્ટેશન 5 મિનિટના અંતરે અને મુખ્ય બજારમાં છે. એટલે ચોર ટોળકીએ ચોરીને અંજામ આપવા સાથે ટાઉન પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. હવે જોવી રહ્યું કે ટાઉન પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજ તેમજ બાતમીદારો પાસેથી વિગતો મેળવી લાખોના દાગીનાની ચોરી કરી રફ્ફુચક્કર થયેલા 3 જેટલા ચોરને કેટલા સમયમાં પકડી પાડી પોતાની આબરૂ બચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *