કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રવાસીઓ માટે હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં સોળે કળાએ ખીલેલા ઊંચા વૃક્ષો, ખળખળ વહેતી નદીઓ અને ફોરેસ્ટ દ્વારા તૈયાર કરેલા ગાર્ડન, બટરફલાય પાર્ક પ્રવાસીઓના અને તેમાં પણ વિદ્યાર્થીઓના મન મોહી રહ્યા છે. હાલમાં જ એક મહિનામાં ગુજરાત મહારાષ્ટ્રના અંદાજિત 3000 જેટલા વિદ્યાર્થીઓ એ અહીંના ખાનવેલ સ્થિત પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્કની મુલાકાત લઈ રોમાંચ અનુભવ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ખાનવેલ ખાતે વિશેષ પ્રકારે પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્ક તૈયાર કર્યો છે. પ્રકૃતિ પરિચય કેન્દ્રમાં દાદરા નગર હવેલીમાં આવેલા વન વિશે, વિવિધ પ્રકારના વૃક્ષો વિશે, બદલાતા વાતાવરણ વિશે, જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ વિશે, આ પ્રદેશના ઇતિહાસ વિશે અદભુત માહિતીનો સંગ્રહ કરી તેને રજૂ કરવામાં આવી છે.
એવી જ રીતે અહીંના બટરફલાય પાર્કમાં 64 પ્રકારના રંગબેરંગી પતંગિયાનો પાર્ક ઉભો કરવામાં આવ્યો છે. આ રંગબેરંગી પતંગિયાઓએ નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ મુલાકાતે આવે છે.
આ અંગે દાદરા નગર હવેલી ફોરેસ્ટ વિભાગ તરફથી મળતી વિગતો મુજબ હાલમાં એકાદ મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શાળાના બાળકો અહીં પ્રવાસે આવ્યા છે. પાછલા એક મહિનામાં અંદાજિત 3 હજાર વિદ્યાર્થીઓએ દાદરા નગર હવેલીના પ્રવાસે આવી ખાનવેલમાં આવેલ પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્કની મુલાકાત લીધી છે.
જેમાં વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં 11મી જાન્યુઆરી સુધીમાં આંબોલી પ્રાથમિક શાળાના અને સાંભા તનખ પાડા શાળા તલાસરી મહારાષ્ટ્રના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ખાનવેલ ખાતે આવેલ પ્રકૃતિ પરિચય અને બટરફલાય પાર્કની મુલાકાત લેવામાં આવી હતી. એ પહેલાં બદલાપુરના ડૉન બોસ્કો ઈંગ્લીશ શાળાના વિદ્યાર્થીઓ, TTV સાર્વજનિક હાઈસ્કૂલ નાનપુરા સુરતના વિદ્યાર્થીઓ, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતના વિદ્યાર્થીઓએ પણ આ પાર્કની મુલાકાત લીધી હતી. તમામે પ્રકૃતિ પરિચય કેન્દ્રમાં પ્રકૃતિ અને પ્રાણીઓ અંગે વિસ્તૃત પરિચય કેળવ્યો હતો. જે બાદ બટરફલાય પાર્કમાં અનેક પ્રજાતી ના વિવિધ ભાતભાતના પતંગિયાઓને જોઈ રોમાંચનો અનુભવ કર્યો હતો.
સામાન્ય રીતે જ્યાં શુદ્ધ હવા ધરાવતું સ્વચ્છ વાતાવરણ હોય ત્યાં જ પતંગિયા વધુ જોવા મળે છે. અહીંના બટરફલાય પાર્કમાં 64 પ્રકારના હજારો પતંગિયા જોતા એ પણ કહી શકાય કે દાદરા નગર હવેલીના ખાનવેલનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ છે. અને એટલે અહીં પતંગિયાઓ પણ હજારોની સંખ્યામાં વસવાટ કરે છે. જેને નિહાળવા હજારો પ્રવાસીઓ પણ દેશભરમાંથી ખાનવેલ પ્રવાસે આવે છે.