Friday, March 14News That Matters

દમણથી સેલવાસમાં મીલની આગ બુઝાવવા નીકળેલ ફાયરના વાહનને અકસ્માત નડતા 3 ફાયરમેન ઘાયલ, અકસ્માતની વિગતો અકબંધ રાખવા પ્રયાસ?

સેલવાસના ટોકરખાડાની સોરઠીયા મસાલા મીલમાં બુધવારે રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને બુઝાવવા દમણ સોમનાથ ફાયર સ્ટેશનથી નીકળેલ ફાયર બ્રાઉઝર લવાછા નજીક પલ્ટી મારી જતા 3 ફાયરમેન ઘાયલ થયા હતાં. જો કે જેમ આગમાં અગમ્ય કારણ ધરી દઇ આગ ના કારણો નો ઢાંકપિછાડો કરવામાં આવે છે. તેમ ફાયર બ્રાઉઝર પલ્ટી જવાના કારણો અને ઘાયલોની વિગતોને પણ અકબંધ રાખવા દમણ ફાયરે વિભાગે પ્રયાસ કર્યો છે. 
દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સેલવાસ ફાયર ફાઈટરની ટીમેં ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ અરસામાં દમણ સોમનાથ ફાયર સ્ટેશનેથી નીકળેલ ફાયરના વાહનને લવાછા નજીક અકસ્માત નડતા 3 ફાયરમેન ઘાયલ થયા હતા. જ્યારે આ તરફ વિકરાળ આગ પર 12 જેટલા ફાયર દ્વારા પાણી-ફોમનો મારો ચલાવી વહેલી સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
મસાલા મીલમાં આગ લાગતા મીલના મેનેજરે સમયસૂચકતા વાપરીને કામદારોને તાત્કાલિક મીલની બહાર કાઢી સેલવાસ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મીલ માલિકનો પરિવાર પણ મીલની ઉપર બનાવેલા મકાનમાં રહેતો હોય, મીલ માલિકના પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
મીલ માં મોટાપાયે ખાદ્ય તેલનો સંગ્રહ કરેલો હોય આગ વધુ પ્રસરી રહી હતી. જેનું વિકરાળ સ્વરૂપ જોતા વાપી, સરીગામ, દમણ ફાયરને જાણકારી આપી બોલાવવામાં આવ્યા હતાં. જે દરમ્યાન દમણ સોમનાથ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરની ટીમ સાથે નીકળેલ ફાયર બ્રાઉઝર લવાછા નજીક પલ્ટી મારી ગયું હતું. જેમાં આગ બુઝાવવા આવી રહેલ 3 ફાયરમેન ઘાયલ થયા હતાં. જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.
જે બાદ આ અકસ્માતની ઘટના પર અગમ્ય કારણોસર દમણ ફાયર વિભાગે મૌન સેવી લીધું છે. ક્યાં કારણોસર ફાયર વાહન પલ્ટી મારી ગયું? કુલ કેટલા ફાયરમેન હતા? કેટલા ફાયરમેન ને ઇજા પહોંચી છે. તેમના નામ? વાહનની કન્ડિશન વગેરે વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવતા આ અંગે ફાયર વિભાગે એકબીજા પર ખો આપી વિગતો આપવાનું ટાળ્યું હતું.
આ તરફ મીલ માં લાગેલી આગ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોય સેલવાસ કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ મેજર કોલ જાહેર કર્યો હતો. તો આગ ને જોવા ઉમટેલા ટોળાને વિખેરવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ 12 જેટલા ફાયર ટેન્ડર મારફતે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *