Friday, October 18News That Matters

કરમબેલામા 24 ગુંઠા જમીનના કબ્જાને લઈ સંસ્થા અને ગામના ખાતેદાર વચ્ચે ઉભો થયો વિવાદ

કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈ ઉભો થયેલો વિવાદ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. એક જ જમીન પર સર્વે નંબર અને સ્થળને લઈ ચાલતા વિવાદમાં બંને પક્ષોએ જમીન પોતાના કબ્જાની હોવાનું જણાવી એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કર્યા છે. બન્ને પક્ષો પોતાની પાસે રહેલા સરકારી ખરાઈ, નોંધણી થયેલ દસ્તાવેજી પુરાવા સાથે આ હક્ક દાવો કરી રહ્યા છે.

જમીનના વિવાદ અંગે બંને પક્ષોના જણાવવા મુજબ આ વિવાદ જમીન પરના દબાણ કે કબ્જાને લઈને નહિ પરંતુ જમીનના સ્થળને લઈને છે. જેમાં જમીન પર કબ્જાનો દાવો કરતા બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાન ના હાલના ડાયરેકટર અશોક બીશ્નોઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના કરમબેલા ગામ ખાતે નેશનલ હાઇવેને અડીને આવેલ સર્વે નંબર 35/16 વાળી જમીનના 24 ગુંઠા જમીન 06/04/2018ના મૂળ માલિક સંજય મોહનલાલ પાસેથી સંસ્થાએ ખરીદી હતી. આ જમીન પર મંદિર, કોમ્યુનિટી હોલ બનાવવા 2018માં કબજો લઈ 15 ડાયરેક્ટરોની સંસ્થાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા છે.

ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાન પર્યાવરણ, જીવદયા અને કન્યા કેળવણી ક્ષેત્રે સામાજિક સેવા કરતી નોનપ્રોફિટેબલ સંસ્થા છે. જેની આ જમીન કરમબેલે ગામના ખાતેદાર પીનલ પટેલ પોતાની માલિકીની હોવાનો હકક દાવો કરે છે. સંસ્થાએ જમીન પર બાઉન્ડરી બનાવવાની કામગીરી કરતા તેને અટકાવવા પ્રયાસ કરે છે.

તો, સામે પક્ષે પીનલ પટેલે જણાવ્યું હતું કે, હકીકતમાં આ જમીન તેમની માલિકીની છે. તેના તેમની પાસે દસ્તાવેજ છે. આ જમીનનો જૂનો સર્વે નંબર પણ 35/16, નવો સર્વે નંબર 188 ને બદલે જૂનો સર્વે નંબર 36/1 અને નવો સર્વે નંબર મુજબ 304 છે. આ જમીન તેમણે 2018માં ખરીદ્યા બાદ DLR ની માપણી શીટ પણ તેમની પાસે છે. જમીનમાં પ્રમોલેગશનને લઈને જે ભૂલ હતી તે પણ તેમણે સરકારી વિભાગમાં જઇ સુધારી છે. જમીન તેના કબ્જાની છે.

આ અંગે જરૂર પડ્યે કાયદાકીય લડત પણ લડવાની તૈયારી બતાવતા પીનલ પટેલે જણાવ્યું હતું કે, 4 વર્ષથી જમીનના કબ્જાને લઈ વિવાદ હતો. જે દરમ્યાન સંસ્થા દ્વારા ફેનસિંગ કામગીરી હાથ ધરતા તેને અટકાવ્યા હતાં. જેથી સંસ્થાના ડાયરેક્ટરોએ તેમની સામે ભિલાડ પોલીસ મથલમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ અમારી માંગ છે કે આ જગ્યા અંગે સરકારી માપણી સાથે ખરાઈ કરવી જોઈએ કે આખરે જમીન કોની છે. જેની પણ નીકળે તે જમીન પર પોતાનો હક્ક દાવો લેશે.

જો કે બન્ને પક્ષો એક વાત સાથે સમંત છે કે, આ જમીનનો વિવાદ સર્વે નંબર ને અને સ્થળને લઈ ને છે. હકીકતે જે પક્ષ આ જમીનને જે સર્વે નંબર આધારે પોતાની ગણી રહ્યા છે તે સર્વે નંબર મુજબ તેમની જમીન અન્ય સ્થળે છે. એટલે જમીન નો મૂળ વિવાદ સ્થળને લઈને છે. અને આ જમીન પર બંને પોતાનો દાવો કરી એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

જમીન વિવાદ અંગે ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના માજી ડાયરેકટર ગંગારામ બીશ્નોઈએ જણાવ્યું હતું કે, આ 24 ગુંઠા જમીન તેમની સંસ્થાની હોવાની DLR માં સ્પષ્ટતા કરી છે. ગામના પીનલ પટેલ આ જગ્યા તેમની હોવાનો દાવો કરે છે. જ્યારે એ જ પીનલ પટેલને સંસ્થાના દરેક કાર્યકમ માં મુખ્ય અતિથિ રૂપે આમંત્રણ આપી આ જ સ્થળે સન્માન કર્યું છે. આ જમીનને સમથળ કરવા તેમણે માટી આપી પુરાણ કર્યું છે. જે માટે તેમને રકમ ચૂકવી છે અને તેના બિલ પણ સંસ્થા પાસે છે. તેમ છતાં જો આ જમીન માટે પીનલ પટેલ પોતાની છે તેવો દાવો કરતા હોય તો તે અંગે તેમણે માપણી લાવી માપણી કરાવી જોઈએ. જેમાં જેની જમીન નીકળશે તે જમીનના માલિક રહેશે.

ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનની સ્થાપના વાપીમાં રોજગાર અર્થે સ્થાઇ થયેલ બીશ્નોઈ સમાજે કરી છે. જેમાં રમેશભાઈ બીશ્નોઈ, નરેશભાઈ બીશ્નોઈ, બાબુભાઇ બીશ્નોઈ સહિત કુલ 15 ડાયરેક્ટરો છે. હાલ જમીનના વિવાદને લઈ ગત 13મી માર્ચથી આ તમામ ડાયરેક્ટરો કામધંધો છોડી જમીન પર ડેરા તંબુ તાણી ને બેઠા છે. તેમની માંગ છે કે જ્યાં સુધી આ જમીનનો કોઈ યોગ્ય ઉકેલ નહિ આવે ત્યાં સુધી તેઓ અહીં જ બેસી રહેશે.

ઉલ્લેખનીય છે કે, બન્ને પક્ષોની વાતોમાં આખરે કોણ સાચું કોણ જુઠ્ઠું તે નિર્ણય કરવાની સત્તા પોલીસ પાસે નથી. પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ પણ અહીં ખડેપગે છે. ત્યારે, હવે સરકારી માપણી બાદ જ આ અંગે યોગ્ય નિર્ણય થશે. જો કે જે રીતે સરકારના ડ્રોન સર્વે અને ડિજિટલ સર્વે દરમ્યાન અનેક છબરડા થયા હોવાની રાવ ગુજરાતના દરેક ગામના ખેડૂતોમાં, જમીન માલિકોમાં ઉઠી હતી. તેવા કોઈ છબરડા ને કારણે આ વિવાદ ઉભો થયો છે કે કેમ તે દિશામાં લાગતા વળગતા વિભાગના અધિકારીઓ તપાસ કરશે તો પણ વિવાદનો અંત આવી શકે છે તેવું બંને પક્ષોનું માનવું છે.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *