સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે આવેલ વલસાડ જિલ્લાના 3 ગામ અને દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલ 1 ગામ મળી કુલ ગુજરાતના 4 ગામને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભેળવવા અંગે આગામી 28મી ઓગસ્ટના ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી વિગતો સૂત્રો પાસેથી સાંપડી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આગામી 28મી ઓગસ્ટના ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળી રહી છે. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યો અને એક સંઘ પ્રદેશની બેઠકમાં વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં ભેળવવાના નિર્ણય અંગે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે.
સંઘ પ્રદેશ દમણ- દિવ અને દાદા નગર હવેલી તરફથી વર્ષોથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મધુબન ડેમ નજીકની જમીનનો કેટલોક હિસ્સો અને ચાર ગામો પોતાના ક્ષેત્રમાં ભેળવવા માંગણી થઈ રહી છે. ભૌગોલિક સ્તરે મેઘવાળ ગામ એ ગુજરાતના વલસાડ જિલ્લાનું હોવા છતાં તેને ચારેબાજુથી દાદરા નગર હવેલીની સરહદ સ્પર્શે છે. આ ગામ દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલું ગુજરાતનું ગામ છે. જ્યારે એ ઉપરાંત નગર, રાયમલ અને મધુબન આ ત્રણેય ગામો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે અને મધુબન ડેમ નજીક આવેલા ગુજરાતના વલસાડ જિલ્લાના બોર્ડર વિલેજ (ગામ) છે. ચારેય ગામો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવે છે. પરંતુ મોટાભાગની સુવિધા માટે સંઘ પ્રદેશ પર નિર્ભર છે.
વર્ષો પહેલા દમણગંગા નદી પર મધુબન ડેમનું નિર્માણ થતા અને તે બાદ આ વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ ખીલતા આ ગામોમાં પ્રવાસનની આપાર તકો રહી છે. પરંતુ. દારૂબંધીને કારણે આ ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી. આથી, સ્થાનિક સ્તરેથી લાંબા સમયથી મધુબન આસપાસના ગુજરાતના ગામોને સંઘપ્રદેશમાં દાખલ થવાની માંગણીઓ થતી રહી છે. આ મામલે આઠ વર્ષથી ભારત સરકારના ગૃહ મંત્રાલય અને વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ વચ્ચે પરામર્શ ચાલી રહ્યો છે.
હવે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક 28મી ઓગસ્ટે ભારતના ગૃહમંત્રી અમિતશાહના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળશે. જેમાં ત્રણ રાજ્યોના CM અને સંઘપ્રદેશના પ્રશાસક સહિત સરકારના સિનિયર ઓફિસર્સ પણ ઉપસ્થિત રહેશે. જે સમયે આ 4 ગામને મામલે આખરી નિર્ણય લેવાઈ શકે છે. જો કે, 8 વર્ષ જુના મામલાને લઈ છેલ્લા 2-3 વર્ષથી સ્થાનિક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમ છતાં જો આ ગામોને સંઘપ્રદેશ માં ભેળવવામાં આવશે તો, ગુજરાતના નકશામાં ફેરફાર થવા સાથે સ્થાનિક લોકોના દસ્તાવેજીકરણ મામલે પણ અનેક અડચણો ઉભી થશે જેનો નિવેડો લાવવો બન્ને પ્રશાસન માટે લોઢા ના ચણા ચાવવા બરાબર સાબિત થશે.