Friday, January 31News That Matters

દમણમાં દેવકા બીચના નમો પથ પર “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત વિવિધ રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડે પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડ્યું

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન તેમજ પ્રવાસન વિભાગ દ્વારા સાપ્તાહિક મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દમણના દેવકા બીચ ખાતે આવેલ નમો પથ પર વિવિધ રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલ પટેલે આ પરેડને ફ્લેગ આપી અભિવાદન ઝીલ્યું હતું. મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 600 જેટલા કલાકારોએ ભાગ લઈ ઉપસ્થિત દમણવાસીઓ અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરતું મનોરંજન પૂરું પાડ્યું હતું.

25મી ઓગસ્ટ શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દમણના દેવકા બીચ ખાતે “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક પરેડ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વિવિધ રાજ્યના કલાકારો, પ્રવાસીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશની વિવિધતામાં એકતા દર્શન કરાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.

મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રશાસકના હસ્તે આતશબાજી ની શરૂઆત કરાવી આકાશમાં રંગબેરંગી રોશનીનો ઝગમગાટ પાથર્યો હતો. તો, સાંસ્કૃતિક નૃત્ય પરેડને લીલી ઝંડી બતાવ્યા બાદ દરેક કલાકારોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત DNHDD પ્રશાસન અને પ્રવાસન વિભાગ દ્વારા સાપ્તાહિક વિવિધ કાર્યક્રમો થકી મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંગે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ના ડિરેકટર અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રવાસનને વેગ મળે તેવા ઉદેશથી આ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દમણના દેવકા બીચ ખાતે બીચને રોશનીથી શણગારી કલચરલ પ્રોગ્રામ આયોજિત કર્યો છે. જેમાં 15 રાજ્યના અને સંઘપ્રદેશ ના લોક કલાકારો, સામાજિક સંસ્થાઓ, વિવિધ સમાજના લોકોએ ઉપસ્થિત રહી તેમની પોતાની સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરી છે. 3 કિલોમીટર લાંબી પરેડમાં ભાગ લેવા 400 કલાકારો ઉપસ્થિત રહ્યા છે. આ સાંસ્કૃતિક પરેડે વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા છે.

દમણ ખાતે પ્રવાસ દરમ્યાન સંસ્કૃતિક પરેડનો લ્હાવો લઈ પ્રવાસીઓ પણ તેમાં ઉમળકાભેર જોડાયા હતાં. નેહલ સોલંકી અને અંકિતા વાઘસિયા પોતાના પરિવાર સાથે દમણના પ્રવાસે આવ્યા હતાં. ત્યારે બીચ પર કલચરલ પ્રોગ્રામ જોઈ અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે, હાથમાં તિરંગા સાથે હજારો લોકોને જોઈ દેશભક્તિની ભાવના જાગી હતી. વિવિધ રાજ્યના કલાકારોએ પ્રસ્તુત કરેલા નૃત્યોની ઝલક જોવા મળી, ભાતીગળ સંસ્કૃતિના દર્શન કર્યા છે. તો આતશબાજી અને સુંદર લાઇટિંગનું ફેકોરેશન ખૂબ જ ગમ્યું છે.

આ સાંસ્કૃતિક પરેડનું આયોજન નમો પથ, દેવકા સી ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક કોલેજના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું મોડેલ રજૂ કર્યું. ત્યારબાદ વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચરલ આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

દમણ અને આસપાસના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાંસ્કૃતિક પરેડનો ભાગ બન્યા હતા. જેમાં તમામ ક્ષેત્રના લોકો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ અને પ્રવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પરેડમાં કેરળ, ઓરિસ્સા, દમણ, દાદરા અને નગર હવેલી, મણિપુર સહિતના રાજ્યોના કલાકારોએ ભાગ લીધો હતો.

મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાદરા નગર હવેલીના દૂધની સહિતના પ્રવાસન સ્થળો પર ટ્રેકિંગ, કેમ્પિંગ, મેરેથોન, જેટ સ્કી, બનાના બોટ રાઈડ, કાયાકિંગ, સ્વિમિંગ, વોલી બોલ, કબડ્ડી, મલખામ, ટગ ઓફ વોર, વારલી આર્ટ વર્કશોપ, રેઈન ડાન્સ સહિત વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ક્રમમાં 26 ઓગસ્ટના રોજ દમણમાં લાઈવ બોલિવૂડ મ્યુઝિકલ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ગાયક કલાકાર શ્રેયા ઘોષાલ મ્યુઝિકલ ઇવન્ટ રજૂ કરશે. 28 ઓગસ્ટ 2023ના રોજ ડોકમરડીમાં અભિનવ સિંહ ભાસીની સ્ટેન્ડ-અપ કોમેડીનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર દેશમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટે, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન વિભાગ દર વર્ષે ચોમાસા દરમિયાન “મોનસૂન ફેસ્ટિવલ”નું આયોજન કરે છે. આ ક્રમમાં, આ વર્ષે પણ 24 ઓગસ્ટ 2023 થી “મોન્સૂન ફેસ્ટિવલ” નું આયોજન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *