વલસાડ જિલ્લાના વાપી અને સરીગામ GIDC માં તેમજ મુંબઈ સ્થિત અગ્રણી કેમિકલ કંપની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હાલમાં જ મેળવેલી સિદ્ધિઓ, સમાજને ઉપયોગી એવા ટોયલેટ-બાથરૂમની સુવિધા પૂરી પાડી જાહેર જનતાને મદદરૂપ બનવા સાથે વાપીના પ્લાન્ટમાં નવી અદ્યતન ઓફિસના નિર્માણની ખુશીમાં 2 દિવસીય હેરંબા પ્રીમિયર લીગ 2022નું આયોજન કર્યું છે. કુલ 8 ટીમ વચ્ચે યોજાઈ રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીના જ અલગ અલગ 5 પ્લાન્ટમાંથી 112 કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વાપી GIDC ના 3rd ફેઝમાં અને સરીગામ ખાતે કાર્યરત હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કુલ 4 પ્લાન્ટ આવેલા છે. તેમજ મુંબઈમાં પણ કંપની પોતાની હેડઓફિસ અને પ્લાન્ટ ધરાવે છે. કંપનીએ હાલમાં કર્મચારીઓના સહયોગમાં અનેકગણી પ્રગતિ કરી છે. જેનું વધુ વિસ્તરણ કરવા નવી ઓફિસ બનાવી છે. તો, સામાજિક ઉત્તરદાયિત્વ ને ધ્યાને રાખી GIDC માં અવરજવર કરતા કામદારો માટે, બહારગામથી વાપીમાં આવતા ટ્રક-ટેમ્પોના ડ્રાઇવર માટે ટોયલેટ-બાથરૂમની સગવડ ઉભી કરી મદદરૂપ બન્યા છે. આ ખુશીમાં કંપની સંચાલકો દ્વારા 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીમાં VIA ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે વાપી-સરીગામ યુનિટના મેનેજર, AGM સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં હેરંબા પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ યોજવાના ત્રિવેણી સંગમ સમાન ખુશી સાથે કંપનીના મેનેજર રૂપેશ વેગડા, AGM પ્રશાંત ભીંડે, ભૌમિક પાઠક, મીનેશ પંડ્યા, નવીન ઝાએ વિગતો આપી હતી કે, કંપનીના કર્મચારીઓમાં પારિવારિક ભાવના કેળવાય, કર્મચારીઓ સમય, શિસ્ત પાલન સાથે કાર્યશૈલીમાં પણ સ્પર્ધાત્મક ભાવના કેળવી શકે તે મુખ્ય ઉદેશ્ય છે.
VIA ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ઓવરની મેચમાં કુલ 8 ટીમેં ભાગ લીધો છે. એક ટીમમાં 14 ખેલાડીઓ છે. તમામ ખેલાડીઓ કંપની ના જ વાપીના 3 પ્લાન્ટ, સરિગામ-મુંબઈના એક-એક પ્લાન્ટ મળી કુલ 5 પ્લાન્ટના 112થી વધુ કર્મચારીઓ છે. જેઓને તમામ જરૂરી સુવિધાઓ કંપની તરફથી પુરી પાડવામાં આવી છે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને વિશેષ ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. જે માટે ચેમ્પિયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી, બેસ્ટ બોલર, બેસ્ટ પ્લેયર વગેરે ટ્રોફી અને શિલ્ડ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કંપની સંચાલકો દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોજિંદી કંપનીની ઘરેડમય નોકરીને બદલે રમતગમત ક્ષેત્રે પોતાનામાં રહેલી ક્ષમતાના દર્શન કરાવ્યા હતાં. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવાફુલ બની માનસિક-શારીરિક ક્ષમતા કેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન બતાવ્યું હતું.