વાપીમાં આવેલ VIA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ દ્વારા પ્રેરિત 17મી ભાનુજ્યોત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘબલ એ સફળતાનો પાયો છે. એ સૂત્ર સાથે આયોજિત યારી કપ 2023માં નાણાપ્રધાન કનું દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ આયોજકોને સુંદર આયોજન બદલ તો ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવી આગામી દિવસોમાં વલસાડમાં પણ શ્યામજી કૃષ્ણવર્મા ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
વાપીમાં વર્ષોથી સ્થાઇ થયેલા કચ્છના ભાનુશાળી સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી વાપીના VIA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અંગે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળના રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, ભાનુશાલી સમાજના લોકો વેપારધંધા અર્થે વાપી સહિત મુંબઈમાં સ્થાઇ થયા છે. તે તમામ પરિવારો એકબીજાના પરિચયમાં આવે, વેપારધંધા ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી શકે તેવા ઉદ્દેશ્યથી 17 વર્ષથી વાપીમાં ભાનુજ્યોત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં કચ્છ થી મુંબઈ સુધીના વિસ્તારમાં રહેતા સમાજના યુવાનોની 18 જેટલી ટીમો બનાવી છે. જે તમામ ટીમે અહીં ભાગ લીધો છે. સમાજના લોકોમાં સામંજસ્ય કાયમ રહે તેવા ઉદેશ્ય થી આયોજિત આ ટુર્નામેન્ટ આગામી વર્ષોમાં પણ યોજાતી રહે તેવો સંકલ્પ ટુર્નામેન્ટના સમાપનમાં લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટના બીજા દિવસે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. નાણાપ્રધાને હાલમાં જ રજૂ કરેલા બજેટમાં કચ્છ ને નર્મદાનું પાણી પૂરું પાડવા, પ્રવાસન્નક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરવા માતબર રકમની જાહેરાત કરી છે. જે બદલ સમાજના આગેવાનોએ તેમનો આભાર માન્યો હતો. નાણાપ્રધાને પણ તમામ આયોજકો, ખેલાડીઓને અભિનંદન આપી આગામી દિવસોમાં વલસાડ જિલ્લામાં ક્રાંતિવિર શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રસંગે ભાનુશાલી સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિત સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ક્રિકેટ મેચમાં ખેલાડીઓએ બોલાવેલ ચોગ્ગા છગ્ગા ની રમઝટ નિહાળી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.