Thursday, October 17News That Matters

વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં ક્રિકેટ મેચ….! ભજીયા ખાવાનો કે મોબાઈલમાં ગેમ રમવાનો ટ્રેન્ડ જૂનો થયો….?

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સોમવારે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વરસેલા 3 ઇંચ વરસાદે તેમજ અગાઉના 24 કલાકમાં વરસેલા 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ છે. ત્યારે, વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં આહુ ગામના યુવાનો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં.

ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે વરસાદી વાતાવરણમાં લોકો ઘરમા કે બહાર ગરમાગરમ ભજીયા ખાતા હોય છે. કેટલાક લોકો ઘરમાં બેસીને મોબાઇલ ગેમ રમતા હોય છે. પરંતુ ઉમરગામ તાલુકાના ખતલવાડા/નારગોલ રોડ પર આવેલ આહુ ગામના યુવાનો ઘૂંટણસમાં વરસાદી પાણીમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં. તાલુકામાં એક તરફ અનરાધાર મેઘથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે, વરસાદી માહોલમાં ક્રિકેટ રમતા આ યુવાનોના ચહેરા પર ચોગ્ગા-છગ્ગા મારવાનો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

આહું ગામમાં ભારે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. ઘૂંટણસમાં પાણી ભરાયા બાદ તેના નિકાલની વ્યવસ્થા ના હોય યુવાનોને મજા પડી હતી. શરૂઆતમાં વરસાદી પાણીમાં નહાવાનો આનંદ ઉઠાવતા આ યુવાનોએ પાણીમાં જ ક્રિકેટ મેચ રમવાનું શરૂ કરી દીધું હતું. ઘૂંટણસમાં પાણીમાં બોલિંગ કરતા બોલરના દરેક બોલ પર બેટ્સમેન યુવાનોએ ચોગ્ગા છગ્ગા જડયા હતાં. જ્યારે કેચ પકડવા પાણીમાં યુવાનો ટોળેવળતા જોવા મળ્યા હતાં.

વરસાદી પાણીના તળાવમાં ક્રિકેટ મેચ રમતા યુવાનોની મેચને જોવા ગામના લોકો પણ પહોંચ્યા હતાં. તો, નજીકના મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પણ પોતાના વાહન થોભાવી પાણીમાં રમાતી ક્રિકેટ મેચ જોવા ઉભા રહી ગયા હતાં.

પાણીના તળાવમાં કીકીયારીઓ કરવા સાથે ક્રિકેટ મેચ રમતા યુવાનોને જોઈ ઉપસ્થિત લોકોએ ભજીયા ખાવાનો કે મોબાઈલમાં ગેમ રમવાનો ટ્રેન્ડ જૂનો થયો અને વરસાદી પાણીમાં ક્રિકેટ મેચ રમવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો કે શું તેવા સવાલ સાથે ક્રિકેટ મેચનો આનંદ ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *