વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા કથિત પત્રકાર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઇ છે. લક્ષ્યવેધ પેપર, યૂટ્યૂબ ચેનલનો ક્રિષ્ના ઝા, ડેર ટૂ શેયર ન્યૂઝપેપર, પબ્લિક વોઇસ યુટ્યુબ ચેનલની સંધ્યા ઉર્ફે સોનિયા ચૌહાણ અને નગર હવેલી ન્યૂઝ યૂટ્યૂબ ચેનલની સેમ શર્મા સામે આ ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદ એક સ્પા સંચાલકે નોંધાવી છે. જેની પાસે આ તોડબાજ ત્રિપુટીએ વાર્ષિક 5 લાખ રૂપિયાનો હપ્તો આપવાની માંગણી કરી હતી. અને રૂપિયા નહિ આપે તો સ્પા માં દેહવ્યાપાર ચાલતો હોવાનો ખોટો કેસ કરશે, પુરવામાં કોન્ડોમ મુકશે, ખોટા સાક્ષીઓ ઉભા કરશે અને ફસાવી દેશે તેવી ધમકી આપી હતી. જે સંદર્ભે આખરે સ્પા સંચાલકે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ટાઉન પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ હાલ આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના અંગે પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ બલિઠા ખાતે M ક્યુબમાં ખુશી સ્પા મસાજ પાર્લર ચલાવતા જીતેન્દ્ર રામપ્રવેશ સિંઘે ફરિયાદ નોંધાવી છે કે, તેમના પાર્લરમાં 24/06/2023ના 1 ઈસમ અને 2 મહિલા આવી હતી. જેમાં યુવકે પોતાનું નામ ક્રિષ્ના ઝા અને તે લક્ષ્યવેધ ચેનલનો એડિટર હોવાનું તેમજ તેની સાથે રહેલ મહિલા સોનિયા ચૌહાણ અને સેમ શર્મા પણ રિપોર્ટર હોવાની ઓળખ આપી હતી. જેઓએ સંચાલકને જણાવ્યું હતું કે, તારે અહીં સ્પા ચલાવવું હોય તો ત્રણેયને વાર્ષિક 5 લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો અમે તારી ઉપર ખોટો કેસ ઠોકી બેસાડી દઈશું.
જો કે સ્પા સંચાલકે તે કોઈ ગેરપ્રવૃત્તિઓ કરતો ના હોવાનું જણાવતા ત્રિપુટીએ તેમને ધમકીઓ આપી હતી કે, પૈસા નહિ આપે તો સ્પા માં દેહવ્યાપાર ચાલતો હોવાનો ખોટો કેસ કરશે, પુરવામાં કોન્ડોમ મુકશે, ખોટા સાક્ષીઓ ઉભા કરશે અને ફસાવી દેશે. જો કે આ તોડબાજ ત્રિપુટીની તાબે નહિ થનાર સ્પા સંચાલક પાસે પૈસા કઢાવવા લક્ષ્યવેધના ક્રિષ્ના ઝાએ તેના મોબાઇલ નંબર પરથી એક ફોટો ઇમેજ સ્પા સંચાલકના મોબાઇલના વોટ્સએપમા મોકલેલ. જેની ખરાઈ કરતા લક્ષવેધ ન્યુઝ એડીટર ઓનર ક્રિષ્ના જી.ઝા નુ નામ હતુ. તેમા હીંદીમા બલીઠા વિસ્તારમા સ્પા સેંટરમા દેહ વ્યાપાર ફરીથી શરૂ તે મતલબનુ લખાણ લખેલ હતુ.
જે બાદ આ ક્રિષ્નાએ વોટ્સએપ કોલ કરી આ લખાણ વાંચી લેજે અને તુ અમોને પૈસા આપી દેજે નહિતો આવી જ રીતે તારૂ મીડીયામા પ્રચાર કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી સ્પા સંચાલકે આ વોટ્સએપ ઇમેજની કલર પ્રિંટ કઢાવી ક્રિષ્ના ઝા, સોનીયા ચૌહાણ તથા સેમ શર્મા ત્રણેય જણા ગેરકાયદેસર રીતે સ્પામા પ્રવેશ કરી અને કુટણખાના અને દેહ વેપારના ખોટા કેસોમા ફસાવી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો બોલી પૈસાની માંગણી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, આ તોડબાજ કથિત પત્રકાર ત્રિપુટીએ આવા અનેક કારનામા કર્યા છે. જેને લઈને અવારનવાર વાપી, દમણ સેલવાસમાં તેમના નામની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની ચુકી છે. ક્યારેક ઝંબાઝ મહિલા પત્રકારના લેબલ હેઠળ એલફેલ સમાચારો પ્રસારિત કરી ચર્ચા માં રહ્યા છે. ત્યારે આ ત્રિપુટી નો ભોગ બનનાર અન્ય જાગૃત નાગરિકોને ન્યાય અપાવવા જો પોલીસ અપીલ કરશે તો મોટી સંખ્યામાં તેમનો ભોગ બનનાર નાગરિકો પણ ફરિયાદ લઈને આવી શકે છે.