Friday, October 18News That Matters

વલસાડ ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઊજવણી અંતર્ગત વાપીમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વલસાડની અસ્મિતા ઉજાગર કરશે

77 મા સ્વાતંત્ર્ય દિવસની રાજયકક્ષાની ઊજવણીની વલસાડ તડામાર તૈયારીઓ થઇ રહી છે. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની રાહબરી હેઠળ સમગ્ર તંત્ર તૈયારીમાં જોતરાયું છે. વલસાડ જિલ્લામાં મારી માટી – મારો દેશ કાર્યક્રમ થકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશ ભાવના ઉજાગર થઇ રહી છે. સાથે સાથે રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી જિલ્લાવાસીઓ માટે અનેરૂ પર્વ બની રહેશે.

વલસાડના ધરમપુર રોડના સી.બી.હાઈસ્કુલ મેદાનમાં તા. 14 ઓગસ્ટના રોજ સાંજે 4-30 વાગ્યાથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘એટ હોમ કાર્યક્રમ’ યોજાશે. રાજ્યપાલને પોલીસ બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રગાન દ્વારા સલામી આપવામાં આવશે.

વલસાડ જિલ્લામાં તા 14 મી ઓગસ્ટના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં દેશભકિતને અનુરૂપ વલસાડની ગરિમાને ઉજાગર કરતા રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું છે. વાપી ખાતે પુરુષ અધ્યાપન મંદિર ખાતે વલસાડની ગરિમાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો લ્હાવો અનેરો બની રહેશે. વલસાડવાસીઓ માટે સ્વાતંત્ર્ય પર્વ વિકાસનું પર્વ પણ બની રહેશે.

મહામહિમ રાજયપાલ અને મુખ્યમંત્રી જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ. 10066.73 લાખના 13 કામોનું ‌ઈ–ખાતમુહૂર્ત અને રૂ. 3778.92 લાખના કામોનું ઈ–લોકાર્પણ પણ કરશે. જિલ્લા પ્રવાસનનાં વિડીયોનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમ પુર્વે લોકડાયરો, દેશભક્તિ ગીત, ભજન અને વાંસળી ધૂન રજૂ કરવામાં આવશે.

77 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો માહોલ ઊભો થઈ રહયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વલસાડની સરકારી કચેરીઓ તથા જાહેર માર્ગોને રોશનીથી શણગારી દેવાયા છે. વલસાડ જિલ્લામાં લોકો આઝાદી પર્વમા સ્વયભું જોડાઇ રહ્યાં છે. મારી માટી – મારો દેશના કાર્યક્રમ થકી દેશભકિતની ભાવના ગામે ગામ ઉજાગર થઇ રહી છે.

મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ સવારે 9-00 વાગ્યે વલસાડના ધમડાચીના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવશે. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાશે તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રીગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ ઉપરાંત ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાશે. પોલીસ દ્વારા એસ.ડી.આર.એફ./ એમ.ટી.એફ. નો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *