વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તે રીતનું કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન આજરોજ મંગળવારથી કાર્યરત કરવામાં આવ્યું છે.
આ સુવિધા મળવાથી અકસ્માત કે અન્ય કારણોસર મૃત પામેલ વ્યક્તિના મૃતદેહને વાપીથી અન્ય વિસ્તારમાં લઈ જવા માટે એક થી બે દિવસ માટે મૃતદેહને સાચવવાનું સુલભ બન્યું છે. ઘણા કિસ્સા/સંજોગોમાં ચલા CHC ખાતે કોલ્ડ સ્ટોરેજ મશીનની સેવા ખૂબ જ ઉપયોગી બનશે.
આ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને 2 થી 6 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પ્રેચરમાં રાખવામાં આવશે. આ સ્થળે આ પહેલા લોકલાડીલા કનુભાઈ દેસાઈના પ્રયાસથી કોલ્ડ સ્ટોરેજ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. જે મેઇન્ટનન્સના અને યોગ્ય રખરખાવના અભાવે ખરાબ થઈ ગયો હતો. જે બાદ અહીં નવા કોલ્ડ સ્ટોરેજ મશીન અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરવામાં આવી હતી.
લોકલાડીલા મંત્રી કનુભાઈએ તાત્કાલિક નવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. જે બાદ તેઓએ સમયાંતરે તેની માહિતી મેળવી 5.50 લાખના ખર્ચે અહીં કિર્લોસ્કાર કંપનીનું ખૂબ જ સારું કોલ્ડ સ્ટોરેજ મશીન ઉપલબ્ધ કરાવ્યું છે. જેનો ખૂબ જ સારો ફાયદો મળશે.