સંઘપ્રદેશ દમણમાં રોટરી ક્લબ ઓફ દમણ, કોળી પટેલ સમાજ દમણ અને તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય કરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેરિયર ફેરનો ઉદેશ્ય વલસાડ, દમણ, સેલવાસની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. જે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે 26-27 એપ્રિલના બે દિવસીય રોટરી કેરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કેરિયર પસંદગી કરવામાં પણ ઉપયોગી માર્ગદર્શન મેળવી શકે. કંઈક નવું શીખી જીવનમાં આગળ વધી શકે તેવા ઉદેશથી આયોજિત આ કેરિયર ફેર દમણ કોળી પટેલ સમાજ ની વાડીમાં યોજાયો હતો. જેમાં ગુજરાતની નામાંકીત યુનિવર્સિટીઓ જેવી કે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સીટી, પારુલ યુનિવર્સીટી, વલસાડ જિલ્લાની સૌ પ્રથમ રજૂ શ્રોફ રોફેલ યુનિવર્સિટી, ઓરો યુનિવર્સીટી, પી. પી. સવાની યુનિવર્સીટી, ઉકા તરસાડિયા યુનિવર્સીટી સાથે વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે.
તારીખ 26 અને 27મી એપ્રિલે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓ અને માતાપિતા ને આ ફેરની મુલાકાત લેવા આમંત્રણ અપાયું હતું. કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ ઉમેશભાઈ પટેલના હસ્તે કેરિયર ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે રોટરી ક્લબ ઓફ દમણ, કોળી પટેલ સમાજ દમણ અને તન્મય ચેરીટેબલ ટ્રસ્ટના આ અનોખા પ્રયાસની સરાહના કરી હતી. તેમજ આ વર્ષના આ અયોજનમાંથી પ્રેરણા લઈ આવતા વર્ષે આનાથી પણ વધુ ભવ્ય આયોજન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રકારના અયોજનનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે સમાજનું નામ રોશન કરે તેવી ભાવના પ્રગટ કરી હતી.ઉલ્લેખનીય છે કે 3 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય કરિયર ફેરનું આયોજન અને પ્રોજેક્ટની માહિતી પ્રોજેક્ટ ચેરમેન નીતિન ટંડેલ દ્વારા આપવામાં આવી હતી.