Saturday, December 21News That Matters

વાપીના બલિઠા ખાતે હાઇવે પર કારના ચાલકે રેલિંગ તોડી સર્વિસ રોડ પર જતા મોપેડ ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

વાપી નજીક બલિઠા ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર વિચિત્ર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનામાં હાઇવે પર કાર લઈને જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરની લોખંડની રેલિંગ તોડી સર્વિસ રોડ પર એક્ટિવા લઈને જતા મોપેડચાલક ને અડફેટે લીધો હતો.

 

વાપી નજીક બલિઠામાં હાઇવે પર આવેલ મામલતદાર કચેરી પાસે એક કાર ચાલકે મોપેડચાલક ને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં મોપેડચાલક નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડના ફુરચેફુરચા ઉડી ગયા હતાં. ઘટના અંગે ટાઉન પોલીસે આપેલી વિગતો મુજબ સાંજના સમયે સફેદ કલરની GJ21-BC-4959 નંબરની કારમાં વલસાડથી વાપી તરફ આવતા કાર ચાલક એવા નિલકુમાર રામચંદ્ર પટેલે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે નંબર 48 પરથી કારને સીધી સર્વિસ રોડ માટે ઉભી કરેલી લોખંડ ની રેલિંગને અથડાવી હતી.

 

 

કાર રેલિંગને તોડી સર્વિસ રોડ પર આવી ગઈ હતી. જે સમયે સર્વિસ રોડ પર GJ15-DQ-6081 નંબરનું એક્ટિવા લઈને અંબાચ ના મનોજ ભગુ પટેલ પસાર થઈ રહ્યા હોય તેને પાછળથી અડફેટે લઈ ટક્કર મારી હતી. અચાનક પૂરઝડપે આવેલા કાર ચાલકની ટકકરે મોપેડ ચાલક મનોજ પટેલ ફંગોળાયો હતો. જેમાં તેને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.

કાર અને મોપેડ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જેઓએ તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી. તો, અકસ્માતમાં મૃત્યુ પામનાર મનોજના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા સાથે ઇજાગ્રસ્ત કાર ચાલકની પ્રાથમિક સારવાર સહિત કરાવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

 

 

ઘટના અંગે મૃતકના ભાઈએ વાપી ટાઉન પોલીસમાં કાર ચાલક નિલકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. વધુ મળતી વિગતો મુજબ મૃતક મનોજ પટેલ વાપીમાં નોકરી કરતો હતો. અને અંબાચ ગામનો રહીશ હતો. તેના મોતની ખબર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *