Friday, January 31News That Matters

વાપીમાં ધુમાડાના ગૂંગળામણ બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ પરિવારના 5 સભ્યો પૈકી 9 વર્ષની બાળકીનું મોત

વાપી ભડકમોરા-નાની સુલપડ વિસ્તારમાં એક ચાલીમાં રહેતા 5 વ્યક્તિઓને ધુમાડાને કારણે ગૂંગળામણ ની અસર થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક 9 વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે.

ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથક અને હરિયા હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ નાની સુલપડ ખાતે કાલિદાસ ભાઈની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મન્ટોસ નાખુંની રામ, પત્ની લલિતાદેવી રામ, 9 વર્ષીય પુત્રી સોનમકુમારી મન્ટોસ રામ અને તેમના બે સાળા બબલુકુમાર રજક, સોનુકુમાર રજક ઘરમાં હાજર હતાં. તે દરમ્યાન ઘરમાં રસોઈ દરમ્યાન ધુમાડાનું પ્રમાણ વધતા ગૂંગળાયા હતાં. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

હોસ્પિટલમાં પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક ICU માં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે 9 વર્ષની બાળકી સોનમકુમારીને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરમાં જ્યારે ઘુમાડાનું પ્રમાણ વધ્યું ત્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટના તમામ સભ્યોએ ગૂંગળામણ અનુભવી હતી. જેમાં 9 વર્ષની બાળકી બેહોશ થઈ ગઈ હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યો અર્ધ બેહોશ જેવી હાલતમાં હતા. તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાં ઓક્સિજન નહિ મળવાથી બેહોશ બનેલી 9 વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો હાલ સારવાર હેઠળ છે. પરિવારની 9 વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *