વાપી નગરપાલિકા વિસ્તારના ડુંગરી ફળિયામાં રવિવારે સાત વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. ઘટના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એકતા નગરમાં બની હતી. રવિવારે સાત વર્ષનો કૈફ અંસારી નામનો બાળક રમતા રમતા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી પાસે પહોંચ્યો હતો. જે ટાંકી પર ઢાંકણ ન હોવાના કારણે બાળક પાણીની ટાંકીમાં પડી ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ લોકો એકઠા થઈ ગયા હતા અને ડુંગરા પોલીસને જાણ કરી હતી. તેમજ ફાયરની ટીમ પણ રેસ્ક્યુ માટે પહોંચી હતી. ભારે મુશ્કેલી બાદ બાળકને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.
પોતાના વહાલસોયા બાળકના મૃત્યુની ઘટના બાદ પરિવાર હતપ્રભ થયો છે. આ ઘટના બાદ પાલિકાની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.