આગામી 7મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી દરમ્યાન વાપીમાં શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી સહિત સમગ્ર દેશના લોકો કોરોના જેવી બીમારીના ભયથી મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી બરુમાળના સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીની પ્રેરણાથી આયોજિત આ મહાયજ્ઞ માટે બુધવારે ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે યજ્ઞના યજમાન અને સંતો મહંતોના હસ્તે ધ્વજારોહણ તેમજ ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે બુધવારે શિવશક્તિ મહાયજ્ઞના આયોજન માટે ભૂમિ પૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. શિવશક્તિ મહાયજ્ઞ અંગે ભાવભાવેશ્વર સેવા સમિતિ વાપી ના પ્રવક્તા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે, હાલમાં ફરી એકવાર આખું વિશ્વ કોરોના નામની બીમારીના ભય હેઠળ આવ્યું છે. જેઓને ભય મુક્ત કરવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બરુમાળ સ્થિત સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી સરસ્વતીની પ્રેરણાથી વાપી જેવા ઔદ્યોગિક નગરમાં શિવ અને શક્તિ નો મહાયજ્ઞ કરવામાં આવે. આ પ્રેરણાથી વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે 11 કુંડિય 7 દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 7મી જાન્યુઆરીથી આ મહાયજ્ઞનો પ્રારંભ થશે. બુધવારે સ્વામી વિદ્યાનંદ સરસ્વતી, માગોદ આશ્રમના સ્વામી નિત્યાનંદ મહારાજના હસ્તે યજ્ઞ સ્થળ ખાતે ભૂમિપૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં મહાયજ્ઞમાં બેસનાર 11 યજમાનોના હસ્તે યજ્ઞ સ્થળનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક નગરીને ધર્મનગરીનું બિરુદ અપાવનાર આ શિવ શક્તિ મહાયજ્ઞ નિમિતે આગામી 6 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળશે. પ્રમુખ ગ્રીનથી નિકળનારી આ શોભાયાત્રા યજ્ઞ સ્થળ પર આવશે. જે બાદ 7મી જાન્યુઆરીથી શિવશક્તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે જે 7 દિવસ ચાલશે. 13મી જાન્યુઆરીએ મહાપ્રસાદ સાથે તેની પુર્ણાહુતી થશે.
સાપ્તાહિક 11 કુંડિય આ મહાયજ્ઞમાં 11 યજમાનો ઉપરાંત આસપાસના હજારો ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે. યજ્ઞ પૂજન, યજ્ઞ પરિક્રમા અને આહુતિ સાથેના આ યજ્ઞમાં 11 પૈકી એક યજમાન આદિવાસી પરિવાર હશે.
ધરમપુરના બરુમાળ ખાતે આવેલ સદગુરુ ધામ સાથે મોટી સંખ્યામાં આદિવાસી ભક્તો જોડાયેલા છે. અહીંના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીએ અનેક આદિવાસીઓના જીવનમાં નવી રોશનીનો સંચાર કરી તેમનું કલ્યાણ કર્યું છે. જે સાથે હાલમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. જેનાથી વાપી સહિત સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. એટલે લોકો આ ભયમાંથી મુક્ત બને, સર્વજનનું કલ્યાણ થાય, સર્વ સ્વસ્થ રહે, દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે, આ પ્રદેશ કોરોના મુક્ત રહે તેવી આરાધના શિવ અને શક્તિ પાસે કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉદેશ્ય આ શિવશક્તિ મહાયજ્ઞના આયોજન પાછળ રહેલો છે.
આજના ભૂમિપૂજન કાર્યક્રમમાં સંતો મહંતો ઉપરાંત ભાવ ભાવેશ્વર સેવા સમિતિના સભ્યો ભદ્રેશ પંડ્યા, સમાજના આગેવાનો, યજ્ઞમાં આહુતિ આપનાર યજમાનો સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તમામે ભૂમિપૂજન બાદ યજ્ઞ સ્થળ પર ધ્વજારોહણ કરી સંતો મહંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતાં.