Wednesday, January 8News That Matters

વાપી ટાઉન પોલીસ મથકમાં બિહારના 26 વર્ષીય યુવકને ખેંચ આવતા મોતને ભેટ્યો!

વાપીમાં એક એપાર્ટમેન્ટમાં ઘુસી ગયેલ યુવકને વાપી ટાઉન પોલીસ ની ટીમેં પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ માટે બેસાડી રાખ્યો હતો. ત્યારે યુવકને અચાનક ખેંચ આવતા મૃત્યુ પામ્યો હતો. મૃતક મૂળ બિહારનો વતની હતો. જેના મૃત્યુ બાદ DYSP, મામલતદારે પોલીસ મથકે આવી યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને સુરત પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીની શંકાએ પૂછપરછ માટે લાવેલા એક યુવકનું અચાનક મૃત્યુ નિપજતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતાં. આ અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે વાપી ટાઉન પોલીસ મથકમાં બુધવારે 9:15 વાગ્યા આસપાસ અજિતનગર, યોગી એપાર્ટમેન્ટમાં રહેતા નીરવ શાહ નામના વ્યક્તિએ PSO ને ફોન કરી જણાવ્યું હતું કે એક અજાણ્યો યુવક તેમના એપાર્ટમેન્ટમાં ઘુસી ગયો છે.
આ વિગતો મળતા પોલીસની PCR ટીમ એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. જ્યાં એપાર્ટમેન્ટના રહીશોએ એક વ્યક્તિને પકડીને બેસાડી રાખ્યો હતો. પોલીસે તેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેણે તેનું નામ અખિલેશ ચંદ્રજીત રાય જણાવ્યું હતું. 26 વર્ષીય આ યુવકની પોલીસે વધુ પૂછપરછ કરતા તે અસ્થિત મગજનો હોવાનું જણાયું હતું. અને તે મૂળ યુપીનો અને હાલમાં દમણ રહેતો હોય એટલી વિગતો આપી હતી. તેની અંગઝડતીમાં પોલીસને કોઈ ચીજવસ્તુઓ કે તેમના ઓળખના પુરાવા મળ્યા નહોતા.
યુવકને પોલીસ મથકમાં જ એક બાજુ વધુ વિગતો મેળવવા બેસાડી રાખ્યો હતો ત્યારે ગુરુવારે સવારે 7:30 વાગ્યા આસપાસ તેને અચાનક ખેંચ આવતા તે પડી ગયો હતો. જેમાં તેનું માથું ટેબલ સાથે અથડાતા બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક 108ની ટીમને ફોન કરવામાં આવ્યો હતો. 108ની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.
યુવકના મૃત્યુ બાદ DYSP અને મામલતદાર વાપી ને જાણ કરતા તેઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસ મથકના કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી મૃતદેહને ચલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી સુરત પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *